- ટ્રમ્પના કાર્યકાળ ચીફ ઓફ સ્ટાફ રહેલ જોન કેલીનો દાવો
- હિટલર, કિમ જોંગ અને પુતિનના ફેન છે ટ્રમ્પ: જોન કેલી
- પૂર્વ ચીફ ઓફ સ્ટાફના પુસ્તકમાં બીજા અનેક મોટા ખુલાસા
અમેરિકામાં જેમ જેમ રાષ્ટ્રપતિની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ તેજ થઈ ગઈ છે. હવે અમેરિકાના એક પૂર્વ અધિકારીએ ડોનાલ્ડ ટ્રમ્પને હિટલર અને કિમ જોંગના ફેન ગણાવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાનના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ જોન કેલીએ દાવો કર્યો છે કે ટ્રમ્પે જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર, ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનની પ્રશંસા કરતાં રહે છે.
રિપોર્ટ અનુસાર, જોન કેલી એક રિટાયર્ડ નેવલ ઓફિસર છે. કેલી ટ્રમ્પના શાસન દરમિયાન સૌથી લાંબો સમય ચીફ ઓફ સ્ટાફ રહ્યા હતા. તેમણે પોતાના પુસ્તકમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિશેના કેટલાક અજાણ્યા તેમ છતાં ચોંકાવનારા તથ્યોનો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા કેલીએ હિટલર વિશે ટ્રમ્પના શબ્દોને યાદ કર્યા. કેલીએ કહ્યું કે ટ્રમ્પ કહેતા હતા કે હિટલરે પણ કેટલાક સારા કામ કર્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કયા સારા કામ કર્યા છે હિટલરે? તો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે હિટલરે ‘અર્થતંત્રનું પુનર્નિર્માણ કર્યું.’ આના પર કેલીએ કહ્યું, હિટલરે પોતાની અર્થવ્યવસ્થાનું નિર્માણ પોતાના જ લોકો અને દુનિયાના વિરોધમાં ઊભી કરી હતી.
આ નેતાઓને મળતા હતા ટ્રમ્પ
કેલીએ પુસ્તકમાં વધુમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ ઘણી વખત રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર નેતા કિમ જોંગ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પે પણ જાહેરમાં પુતિનની પ્રશંસા કરી હતી અને તેમને ‘ખૂબ મજબૂત’ કહ્યા હતા. એટલું જ નહીં, FBI સાથેના વિવાદમાં ટ્રમ્પે રશિયન નેતાનો પક્ષ લીધો. ટ્રમ્પના આ પગલાની અમેરિકાના વરિષ્ઠ નેતાઓએ આકરી ટીકા કરી હતી.
શું કહે છે ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન દ્વારા પણ આ પ્રકારની જ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, જેમના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મતભેદ હતા. પુસ્તક અનુસાર બોલ્ટને કહ્યું કે ટ્રમ્પ ખુદને એક મોટા માણસ તરીકે જુએ છે. તે અન્ય મોટા લોકો સાથે જ વ્યવહાર રાખવાનું પસંદ કરે છે. આ ઘટસ્ફોટ બાદ, ટ્રમ્પના પ્રવક્તા સ્ટીવન ચ્યુંગે કેલી અને બોલ્ટન બંનેને ફટકાર લગાવતા તેમના આરોપોને ફગાવી દીધા.


