ટેરિફને લઈને અમેરિકા-ભારતની વચ્ચે ઉભા થયેલા તણાવને ઓછો કરવા માટે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની વચ્ચે ગઈકાલે મંગળવારે મોડી રાત્રે વાતચીત થઈ છે. બંને નેતાઓ વચ્ચે સકારાત્મક વાતચીત થઈ. પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે સંબંધોને ફરીથી પાટા પર લાવવામાં આવે, દિલ્હીમાં તાજેત્તરમાં જ અમેરિકાની સાથે વેપાર સંબંધિત વાતચીત થઈ હતી.
ભારતને ગેરકાયેસર ડ્રગ્સ ઉત્પાદન કરનારો દેશ ગણાવવામાં આવ્યો
તેની વચ્ચે અમેરિકાએ એક રિપોર્ટ કોંગ્રેસમાં રજૂ કર્યો છે, જેમાં ભારતને ડ્રગ્સ ટ્રાન્જિટ અને ગેરકાયેસર ડ્રગ્સ ઉત્પાદન કરનારો દેશ ગણાવવામાં આવ્યો છે. ટ્રમ્પ સરકારે પ્રેસિડેન્શિયલ ડિટરમિનેશન હેઠળ એક લિસ્ટ કોંગ્રેસને સોંપી છે, જેમાં 23 દેશના નામ સામેલ છે, જેની પર અમેરિકામાં નશાની દવાઓ અને તેને બનાવવા માટે વપરાતી વસ્તુઓ અમેરિકા સુધી પહોંચાડવાનો આરોપ છે. આ લિસ્ટમાં ભારત, અફઘાનિસ્તાન, બહામાસ, બેલીઝ, બોલીવિયા, મ્યાનમાર, ચીન, કોલંબિયા, કોસ્ટા રિકા, ડોમિનિકન રિપબ્લિક, ઈક્વાડોર, અલ સલ્વાડોર, ગ્વાટેમાલા, હેતી, હોન્ડુરાસ, જમૈકા, લાઓસ, મેક્સિકો, નિકારાગુઆ, પાકિસ્તાન, પનામા, પેરૂ અને વેનેઝુએલા સામેલ છે.
અમેરિકાએ આ દેશોને કાઉન્ટર નાર્કોટિક્સ પ્રયત્નોને મજબૂત કરવા કહ્યું
અમેરિકાએ 5 એવા દેશના પણ નામ લીધા છે, જેની પર માદક પદાર્થ વિરોધી કર્તવ્યોને યોગ્ય રીતે પુરા નહીં કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ દેશ અફઘાનિસ્તાન, બોલીવિયા, મ્યાનમાર, કોલંબિયા અને વેનેઝુએલા છે. અમેરિકાએ આ દેશોને કાઉન્ટર નાર્કોટિક્સ પ્રયત્નોને મજબૂત કરવા કહ્યું છે. અમેરિકી સરકારનું કહેવું છે કે નવા પ્રકારના કેમિકલના નશા, ટ્રાન્સનેશનલ ઓર્ગનાઈઝ્ડ ક્રાઈમ અને ફેન્ટેનિલ જેવા ડ્રગ્સની ગેરકાયદેસર તસ્કરી અમેરિકા માટે મોટી સમસ્યા છે. ડ્રગ્સ તસ્કરીએ અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે. તેના કારણે 18થી 44 વર્ષની ઉંમરના અમેરિકી નાગરિકોના મોત સૌથી મોટું સંકટ બની ગયું છે.