અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ જાણકારી આપતા કહ્યું કે ફેડરલ એજન્સીઓને હાર્વર્ડ સાથે લગભગ $100 મિલિયનના કરાર રદ કરવા કહેવામાં આવ્યું છે. જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન (GSA)એ ફેડરલ વિભાગોને એક પત્ર મોકલીને હાર્વર્ડ સાથે ચાલી રહેલા કરારોની સમીક્ષા કરવા માટે અને તેને સમાપ્ત કરવા અને વિકલ્પો શોધવાનો નિર્દેશ પણ આપ્યો છે.
રદ કરવામાં આવી રહેલા 30 કરારોમાં 9 ફેડરલ એજન્સીઓના કાર્યક્રમોનો સમાવેશ
ટ્રમ્પ વહીવટીતંત્રે હાર્વર્ડને $2.6 બિલિયનથી વધુ રાજ્ય ભંડોળ પહેલાથી જ અટકાવી દીધું હતું. એપ્રિલ મહિનામાં જ્યારે હાર્વર્ડે ટ્રમ્પ વહીવટીતંત્રની યુનિવર્સિટીના નેતૃત્વ, શાસન અને પ્રવેશ પ્રક્રિયામાં ફેરફારની માગણીઓ સામે દાવો દાખલ કર્યો ત્યારે આ વિવાદ વધુ ઘેરો બન્યો. તે પછી ટ્રમ્પ વહીવટીતંત્રે ભંડોળમાં ઘટાડો કર્યો છે, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રતિબંધિત કરવાનો પ્રયાસ કર્યો છે અને યુનિવર્સિટી પાસેથી કર રાહત છીનવી લીધી છે. હવે રદ કરવામાં આવી રહેલા 30 કરારોમાં 9 ફેડરલ એજન્સીઓના કાર્યક્રમોનો સમાવેશ થાય છે, જેમાં વૈજ્ઞાનિક સંશોધન, સ્નાતક વિદ્યાર્થી સેવાઓ અને હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓ માટે નેતૃત્વ તાલીમનો સમાવેશ થાય છે. અન્ય એક વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક મુખ્ય કરાર તાત્કાલિક રદ કરવામાં આવશે નહીં, પરંતુ અન્ય વેન્ડર્સને સોંપવામાં આવશે. નોંધનીય છે કે ટ્રમ્પ દ્વારા આ પગલું તાજેતરનું છે અને તે ફક્ત એવા ફેડરલ કરારોને લાગુ પડે છે જેની વેલ્યુ 100 મિલિયન ડોલર છે.
3 અબજ ડોલરના ભંડોળને રોકવાની ધમકી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર હાર્વર્ડ પર પોતાના હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા અને કહ્યું કે તેઓ ગ્રાન્ટમાં વધુ $3 બિલિયનનો ઘટાડો કરી શકે છે અને તે પૈસા ટ્રેડ સ્કૂલોને આપી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે હાર્વર્ડમાં ઘણા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમના દેશોએ શિક્ષણમાં કોઈ યોગદાન આપ્યું નથી અને કેટલાક દેશો યુનાઈટેડ સ્ટેટ્સના “મિત્ર” નથી. “અમે હજુ પણ હાર્વર્ડના વિદેશી વિદ્યાર્થીઓની યાદીની રાહ જોઈ રહ્યા છીએ,” ટ્રમ્પે કહ્યું કે મારૂ માનવું છે કે આવા વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે. જોકે, સરકાર પાસે પહેલાથી જ બધા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા અને ઈમિગ્રેશન રેકોર્ડ છે.