ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ મામલે અમેરિકામાં સખતપૂર્ણ અમલ શરુ કરાયો છે. આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે સત્તા પર આવતા જ આદેશ કર્યો હતો. અને હવે આ આદેશને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘૂસણખોરોને શોધવા અમેરિકાના ગુરુદ્વારાઓમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ. જેને લઇને શીખ સંગઠનોમાં રાષ્ટ્રપતિ ટ્રંપ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.
વિદેશીઓનો થઇ રહ્યો છે દેશનિકાલ
ટ્રમ્પ અધિકારીઓ પણ ગેરકાયદેસર મિગ્રન્ટ્સની શોધમાં ગુરુદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમ અફેર્સ(DHS)ના સુરક્ષા અધિકારીઓએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને તપાસવા માટે ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી. આ સર્ચ ઓપરેશન બાદ શીખ સમુદાય રોષમાં જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે મોટી કાર્યવાહી શરુ કરી દીધી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 6 દિવસમાં અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સેંકડો વિદેશીઓને દેશનિકાલ કરી દીધા છે.
શીખ સમુદાયમાં રોષની લાગણી
ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવા મામલે શીખ સમુદાય ટ્રંપ સરકારની ટીકા કરી રહ્યુ છે. આ કાર્યવાહીથી ઘણા લોકોને કડક તપાસનો સામનો કરવો પડી રહ્યો છે. શીખ સમુદાયે જણાવ્યુ હતુ કે, આ પ્રકારની તપાસ અને કાર્યવાહી તેમની આસ્થાને ઠેંસ પહોંચાડી રહી છે. આ આદેશ અયોગ્ય હોવાનું પણ શીખ સમુદાયે જણાવ્યુ હતુ. ગુરુદ્વારામાં સેવાના કાર્યો ચાલતા રહે છે. તેને જોતા અમેરિકાની પોલીસે ન્યુયોર્ક અને ન્યુજર્સીમાં આવેલા ગુરુદ્વારામાં તપાસ અભિયાન શરુ કર્યુ હતુ. શીખ અલગતાવાદીઓ તેમજ કેટલાક બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ કરતાં હોવાનું માનવામાં આવે છે.
“ગુરુદ્વારામાં તપાસ અયોગ્ય”
SALDEFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કિરણ કૌર ગિલે કહ્યું હતુ કે, ધાર્મિક સ્થળોને નિશાન બનાવી તેમાં તપાસ કરવી એ અયોગ્ય છે. ગૃહમંત્રાલયનો આ નિર્ણય ચિંતા પેદા કરે તેવો છે. ગુરુદ્વારા જેવા સ્થાનો ભોજન અને લોકોને આશ્ર્ય આપે છે. એનો અર્થ એ નથી કે તેમાં કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય. આ પ્રકારના આદેશો અને સર્ચ અભિયાન જનતામાં અવિશ્વાસની લાગણી ઉત્પન્ન કરે છે.
બ્રાઝિલના લોકોને દેશ નિકાલ દરમિયાન અમાનવીય વર્તન માટે પણ બ્રાઝિલ સરકારે ટ્રંપ સરકાર પાસે સ્પષ્ટીકરણ માગ્યુ છે. આ દેશ નિકાલ દરમિયાન અમેરિકાએ બ્રાઝિલની પ્રજાને એક જ વિમાનમાં બેસાડી અને પ્રાથમિક સુવિધા આપ્યા વિના જ તેમના દેશ પરત મોકલ્યા હતા. આ વ્યવહાર મામલે બ્રાઝિલે પોતાનો રોષ દર્શાવ્યો છે.


