- ફંડે ગ્લોબલ સાઉથના 37 દેશોમાં 45 પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 50.6 કરોડ ડોલર ફાળવ્યા છે
- 2006માં IBSAનું કામ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં ભારતે 1.8 કરોડ ડોલર કરતાં વધારેનું દાન કર્યું છે
- સંયુક્ત રાષ્ટ્ર દક્ષિણ-દક્ષિણ સહયોગ કાર્યાલય આ ફંડના ફંડ મેનેજર અને સચિવાલય તરીકે કાર્ય કરે છે
ભારત એક એવો દેશ છે જે ગમે ત્યારે કોઈને મદદ કરવામાં પાછો નથી પડતો. તે જરૂરિયાતમંદોની મદદ માટે હંમેશા આગળ આવે છે. એ જ શુંખલામાં તેણે ગરીબી અને ભૂખનો સામનો કરવા માટે 10 લાખ ડોલરનું યોગદાન આપ્યું છે. આ દાન ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકા દ્વારા ચલાવાતા એક ફંડમાં કરાયું છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનાં સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોજે ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકા ગરીબી અને ભૂખ નાબૂદી (IBSA) ફંડને યોગદાન રૂપે સંયુક્ત રાષ્ટ્ર દક્ષિણ-દક્ષિણ સહયોગ કાર્યાલય (UNOSSC)નાં ડિરેક્ટર દીમા અલ-ખાતિબને સોમવારે 10 લાખ ડોલરનો ચેક સોંપ્યો હતો. કંબોજે કહ્યું કે ભારતની જી-20 અધ્યક્ષતાનું ધ્યાન લોકોનું, લોકો દ્વારા, અને લોકો માટે વિકાસ પર હતું. તેમણે કહ્યું કે ભારત IBSA ફંડનું સમર્થન કરવા માટે પ્રતિબદ્ધ છે, કેમ કે અમે માનીએ છીએ કે ફંડે ગ્લોબલ સાઉથમાં લાખોનાં જીવન પર સકારાત્મક અસર કરી છે. તદ્ઉપરાંત, દક્ષિણ-દક્ષિણ સહયોગની ભાવનાને મજબૂત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન દ્વારા પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતમાં કહેવાયું છે કે, ભારત, બ્રાઝિલ, અને દક્ષિણ આફ્રિકા IBSA ફંડમાં દર વર્ષે 10 લાખ ડોલરનું યોગદાન આપે છે. 2004માં IBSA ફંડની સ્થાપના અને 2006માં કામ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં આ ફંડમાં ભારત 1.8 કરોડ ડોલર કરતાં વધારેનું દાન કરી ચૂક્યો છે. સંયુક્ત રાષ્ટ્ર દક્ષિણ-દક્ષિણ સહયોગ કાર્યાલય આ ફંડના ફંડ મેનેજર અને સચિવાલય તરીકે કાર્ય કરે છે.
IBSA ફંડનું કાર્ય શું છે?
IBSA ફંડ એવી પરિયોજનાનું સમર્થન કરે છે, જેનો હેતુ ખાદ્ય સુરક્ષાને પ્રોત્સાહિત કરવાનો અને એચઆઇવી-એઇડ્સને સંબોધિત કરવા માટે, સુરક્ષિત પેયજળ સુધી પહોંચ બનાવવાનો છે. આ ફંડે ગ્લોબલ સાઉથના 37 દેશોમાં 45 પરિયોજનાઓનું સમર્થન કરીને અત્યાર સુધીમાં 50.6 કરોડ ડોલર ફાળવ્યા છે.
ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી
ચાલુ વર્ષે IBSA ફંડે ત્રણ પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેમાં દક્ષિણી બેલીઝમાં માઈક્રો-ગ્રિડનો ઉપયોગ કરીને ગ્રામીણ વિદ્યુતીકરણ, દક્ષિણ સુદાનમાં સતત કૃષિ માટે મહિલાઓ અને યુવાઓને સશક્ત બનાવવા અને પેલેસ્ટાઇનમાં કૃષિ-વ્યવસાય વિકાસમાં રોકાણનો સમાવેશ થાય છે.
ગયા મહિને બેઠક યોજાઈ હતી
UNOSSCએ કહ્યું કે ગયા મહિને ફંડના નિર્દેશક મંડળની બેઠક થઈ હતી. જેમાં બેલીઝ, પેલેસ્ટાઇન, અને દક્ષિણ સુદાન માટે 30 લાખ ડોલરના નવા નાણાં પોષણના ત્રણ પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. તેણે 2024માં શરૂ કરી શકાય તેવી માલીમાંની એક પરિયોજનાની ડિઝાઇનને મંજૂરી આપી હતી.
પરિયોજનાઓ
એક પરિયોજના બેલીઝના ટોલેડો જિલ્લામાં હાંસિયામાંના સમુદાયોમાં અક્ષય ઊર્જા સુધી પહોંચ વધારાશે. દેશના આ જિલ્લામાં સૌથી વધારે ગરીબદર છે.
દ. સુદાનમાં પરિયોજનાનો ઉદ્દેશ શાકભાજી અને મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ કરવાનો અને વિતરણ બજારોના વિસ્તરણનો છે.
પેલેસ્ટાઇનમાં પરિયોજનાનો ઉદ્દેશ કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ, યુવાઓ, અને તાજા સ્નાતકો માટે સ્થાયી રોજગારના અવસર ઊભા કરવાનો છે.


