- મૌની અમાસે વ્રત કરનારે મૌન પાળવું તેમજ જો મૌન ન પાળી શકો તો કોઇનું અપમાન ન કરવું
ધર્મશાસ્ત્રના કથન અનુસાર માઘ માસમાં આવતી અમાસને મૌની અમાસ તરીકે ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર મૌની અમાસના દિવસે મનુ મહારાજનો જન્મ હતો તેથી તેને મૌની અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
બીજી એક માન્યતા અનુસાર આ અમાસે મૌનવ્રત પાળી, પવિત્ર નદીઓમાં સ્નાન કરીને ત્યારબાદ શ્રી હરિ વિષ્ણુનું પૂજન, ભજન કરીને દાન, વ્રત કરવાથી વ્રત કરનાર વ્યક્તિને મુનિની પદવી પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્ર અંતર્ગત જે વ્યક્તિની જન્મકુંડળીમાં પિતૃ દોષ, શાપિત દોષ તેમજ કાલસર્પ દોષ હોય તેવી વ્યક્તિએ આ અમાસના દિવસે પવિત્ર જળમાં સ્નાન કરી વિધિવત્ પૂજન કરવામાં આવે તો તે આ દોષોથી સહજ મુક્ત થાય છે.
મૌની અમાસના દિવસે વ્રત કરનારે મૌન પાળવું તેમજ કોઇ કારણસર જો તે વ્યક્તિ મૌન ન પાળી શકે તો કોઇનું અપમાન ન કરવું તેમજ કોઇને કટુવચન ન બોલવાં અને સત્યનું પાલન કરવાથી ભગવાન વિષ્ણુની સહજ કૃપા પ્રાપ્ત થાય છે. જે સ્ત્રીની જન્મકુંડળીમાં વૈધવ્ય દોષ હોય તેણે ખાસ કરીને મૌની અમાસનું વ્રત કરવાથી તે દોષમાંથી મુક્તિ મેળવી શકાય છે. જન્મકુંડળીસ્થિત રાહુ, કેતુ, શનિ તેમજ મંગળના દોષથી મુક્ત થવા માટે મૌની અમાસે તે ગ્રહોનું પૂજન, હવન સર્વશ્રેષ્ઠ ફળ અક્ષયપાત્ર બની જાય છે. જે કોઇ વ્યક્તિ શ્રદ્ધા તેમજ ભક્તિ સહિત મૌની અમાસનું વ્રત કરે છે તે કર્જમુક્તિ, માંગલિક દોષથી મુક્તિ, પિતૃદોષમાંથી મુક્તિ તેમજ કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવી શકે છે. આ દિવસે કરેલું ભગવાનનું પૂજન વ્યક્તિનાં તન-મન-ધનથી થયેલા પાપનો તત્ક્ષણ નાશ કરે છે. મૌની અમાસે સવિશેષ કરીને ભગવાન કુબેરની આ દિવસે વિધિવત્ પૂજા કરે છે તેના જીવનમાંથી કાયમ માટે દરિદ્રતા દૂર થઇ જાય છે.
મૌની અમાસે કરવામાં આવતા ઉપાયો
- મૌની અમાસના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુને 108 તુલસીદલ અર્પણ કરી `ઓમ હ્રીં વિષ્ણવે નમઃ’ મંત્રનો જાપ કરવો.
- મૌની અમાસના દિવસે કાળા તલ અને ગોળના લાડવા બનાવી તેમાં યથાયોગ્ય દક્ષિણા મૂકીને લાલ કપડા સહિત બ્રાહ્મણોને દાન કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે.
- મૌની અમાસના દિવસે યથાયોગ્ય બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવી તેમને યથાશક્તિ દક્ષિણા આપવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે.
- મૌની અમાસના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય-15નો પાઠ કરવાથી સમાજમાં યશ, માન, કીર્તિની પ્રાપ્તિ થાય છે.
- આ દિવસે ભગવાન ભૈરવનાથને ખીરનો ભોગ તથા જલેબી ધરાવવાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
- મૌની અમાસે પીપળાના વૃક્ષ નીચે દીવો કરીને, અગરબત્તી કર્યા બાદ કાચું દૂધ, શુદ્ધ જળ અને કાળા તલ મિશ્રિત કરીને 108 પરિક્રમા કરીને `ઓમ નમો ભગવતે વાસુદેવાય’ મંત્રનું ઉચ્ચારણ કરવાથી સમસ્ત પાપોમાંથી મુક્તિ મળે છે.
- મૌની અમાસના દિવસે કાળું કપડું, અડદ, લોઢું, કાળા તલ, કાળા અડદનું જરૂરિયાતમંદને દાન કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે.
- મૌની અમાસના દિવસે ગરીબોને રીંગણ-બટાકાનું શાક, પૂરી અને ખીચડી-કઢીનું ભોજન કરાવવાથી જન્મકુંડળીમાં શનિ, રાહુ, કેતુની પીડામાંથી મુક્તિ મળે છે.
- આ દિવસે 11 પીપળાનાં પાન પર ॥ રામ ॥ ચંદનથી લખીને હનુમાનજીને અર્પણ કરવાથી જીવનમાં રહેલાં બધાં જ સંકટોમાંથી મુક્તિ મળી શકે છે.
- મૌની અમાસે પંચાંગ અંતર્ગત રાહુકાળના સમયમાં કાળા તલ, સફેદ તલ અને મગનું શિવમંદિરમાં તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવાથી ઘાતમાંથી મુક્તિ મળે છે.
- મૌની અમાસે ભગવાન કુબેરને તથા કુબેર યંત્રની વિધિવત્ સ્થાપના ઓફિસે, ઘરમાં પૂજાગૃહમાં કરવાથી દરિદ્રતાથી મુક્તિ મળે છે.
- મૌની અમાસના દિવસે સંધ્યાકાળે માતા મહાલક્ષ્મી સમક્ષ ઘીનો દીવો કરીને સફેદ રંગની મિઠાઈ ધરાવવાથી ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે.
- આમ, હિન્દુ શાસ્ત્રોમાં મૌની અમાસે કરેલાં દાન, સ્નાન, પુણ્ય, યજ્ઞનું વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે.