- ઠંડી અને ધુમ્મસને કારણે જનજીવનને ભારે અસર
- અનેક સ્કૂલોના ટાઈમ બદલાયા, અનેક ટ્રેનો ડાયવર્ટ
- દિલ્હીના IGI એરપોર્ટ પર એર ટ્રાફિકને મોટી અસર
દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસથી ઘેરાઈ ગયું છે. પર્વતો પર હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી છે. ઠંડા પવન અને ધુમ્મસના ડબલ એટેકને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. બુધવારે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં દિવસભર ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જ્યારે રાત્રે 08.45 વાગ્યે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારો સંપૂર્ણપણે ધુમ્મસની પકડમાં જોવા મળ્યા હતા.
વધતી ઠંડી અને ધુમ્મસને જોતા શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો, IGI એરપોર્ટ પર વિઝિબિલિટી 100 મીટર રહી છે. ગાઢ ધુમ્મસના કારણે ઘણી ફ્લાઈટ અને ટ્રેનોના સંચાલનને પણ અસર થઈ હતી. ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે થતા અકસ્માતોને રોકવા માટે યોગી સરકારે બસોના સંચાલનને લઈને નવી માર્ગદર્શિકા પણ જારી કરી છે.
દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે પટનાથી દિલ્હી જતી વિસ્તારાની ફ્લાઈટ UK716ને ઈન્દોર તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. તો સાથે સાથે, દિલ્હી એરપોર્ટ પર ખરાબ હવામાનને કારણે, વિસ્તારા એરલાઇન્સની બેંગલુરુથી દિલ્હી જતી ફ્લાઈટ UK820ને પણ ઈન્દોર ડાયવર્ટ કરવામાં આવી છે. IMD અનુસાર, ગુરુવાર અને શુક્રવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. ગુરુવારે મહત્તમ તાપમાન 21 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 6 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. બુધવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું.


