પાકિસ્તાનમાં એક બાદ એક હુમલાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. ત્યારે પાકિસ્તાનના લાહોરમાં થયેલા બ્લાસ્ટ બાદ હવે અન્ય 6 શહેરમાં ડ્રોન એટેક થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના કરાચી, લાહોર, ચકવાલમાં ડ્રોન દ્વારા એટેક કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. પાકિસ્તાને 6 શહેરમાં ડ્રોન હુમલો થયો હોવાનો દાવો કર્યો છે.
થોડા સમય પહેલા લાહોરમાં થયો એટેક
તમને જણાવી દઈએ કે ભારતના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ડરી ગયું છે. આ કાર્યવાહી હેઠળ 9 આતંકી ઠેકાણાઓ ગઈકાલે ધ્વસ્ત કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ સમાચાર સામે આવ્યા હતા કે લાહોરમાં સતત વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યો છે, જેના કારણે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા છે અને બહાર ભેગા થઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ છે.
સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી
ગુરુવારે વહેલી સવારે લાહોરના વોલ્ટન રોડ પર મોટા વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. વોલ્ટર એરપોર્ટ નજીક લાહોરના ગોપાલ નગર અને નસીરાબાદ વિસ્તારોમાં સિરિયલ વિસ્ફોટો સંભળાયા છે. સાયરન વાગ્યા પછી, લોકો ડરીને પોતાના ઘરની બહાર નીકળી ગયા અને આસપાસના વિસ્તારોમાં બ્લાસ્ટ બાદ ધુમાડાના ગોટેગોટા પણ ઉંચા ઉડતા જોવા મળ્યા છે. પોલીસના સૂત્રોનું કહેવું છે કે વોલ્ટન એરપોર્ટ નજીક ડ્રોન બ્લાસ્ટ થયો છે. આ વિસ્ફોટ ડ્રોનને કારણે થયો હોઈ શકે છે. જામિંગ સિસ્ટમના કારણે ડ્રોનને તોડી પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લાહોરના અક્સરી 5 રોડ પાસે પણ બે મોટા વિસ્ફોટો સંભળાયા હતા. અહીં નેવલ કોલેજમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.
પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે નિષ્ફળ
બીજી તરફ પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ ડ્રોન વિસ્ફોટોને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ હોય તેવું લાગે છે. રસપ્રદ વાત એ છે કે બુધવારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પાકિસ્તાન વાયુસેનાની ખૂબ પ્રશંસા કરી હતી. શાહબાઝે કહ્યું કે પાકિસ્તાન વાયુસેના મેદાનમાં મજબૂતીથી ઉભી છે. પીએમના વખાણ પછી તરત જ આસીમ મુનીર પાકિસ્તાન વાયુસેનાના વડાને મળ્યા હતા.


