જમ્મુ અને કાશ્મીરના સાંબા નજીક ફરી એક વાર શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા છે. આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ઘણા દિવસો સુધી બંને દેશો વચ્ચે ભારે ગોળીબાર પછી જમ્મુ-કાશ્મીર અને આંતરરાષ્ટ્રીય સરહદ પરના અન્ય વિસ્તારોમાં શાંતિની રાત જોવા મળી. જો કે સાંબામાં ફરી ડ્રોન દેખાયા છે. જમ્મુ અને કાશ્મીરના સરહદથી દુરના જિલ્લાઓમાં પરિસ્થિતિમાં સુધારો દેખાતા આવતીકાલથી એટલે કે મંગળવારથી બધી શાળાઓ અને કોલેજો ફરી ખુલશે. સામાન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ પુનઃસ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી વહીવટીતંત્રે આ નિર્ણય લીધો છે.
સાવચેતીના ભાગરૂપે અમૃતસરમાં કરાયું બ્લેકઆઉટ
બીજી તરફ સોમવારે રાત્રે અમૃતસરમાં સાયરન વાગ્યું અને ડીસી અમૃતસર દ્વારા એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું હતું કે અમે સતર્ક છીએ અને બ્લેકઆઉટ શરૂ કરી રહ્યા છીએ. કૃપા કરીને તમારી લાઈટ બંધ કરો અને તમારી બારીઓથી દૂર જાઓ. શાંત રહો, જ્યારે અમે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે તૈયાર હોઈશું, ત્યારે અમે તમને જાણ કરીશું. અમૃતસર જિલ્લાની બધી શાળાઓ અને કોલેજો આવતીકાલે બંધ રહેશે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સાવચેતીના પગલા તરીકે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પ્રદેશમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.
ઈન્ડિગોએ અમૃતસર એરપોર્ટથી ફ્લાઇટ્સ ફરી શરૂ કરી
ઉલ્લેખનીય છે કે ઈન્ડિગો એરલાઈન્સે આજથી અમૃતસર એરપોર્ટથી તેની ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરી રહી છે. ફ્લાઇટ 6E2045 દિલ્હીથી રાત્રે 8:00 વાગ્યે ઉપડશે અને રાત્રે 9:10 વાગ્યે અમૃતસર પહોંચશે, જ્યારે રિટર્ન ફ્લાઈટ 6E5215 અમૃતસરથી રાત્રે 9:40 વાગ્યે ઉડાન ભરશે અને રાત્રે 10:55 વાગ્યે દિલ્હી ટર્મિનલ-3 પર ઉતરશે.
DGMO બેઠક થઈ પૂર્ણ
ભારત અને પાકિસ્તાન વચ્ચે ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ સ્તરની બેઠક સોમવાર 12 મેના રોજ સાંજે 5:00 વાગ્યે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં બંને પક્ષોએ બોર્ડર પર એક પણ ગોળી ચલાવવી નહીં અથવા એકબીજા સામે કોઈપણ આક્રમક અને જવાબી કાર્યવાહી શરૂ કરવી નહીં તે પ્રતિબદ્ધતા ચાલુ રાખવા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. બંને પક્ષોએ સરહદો અને આગળના વિસ્તારોમાંથી સૈનિકોની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા પર પણ સંમતિ વ્યક્ત કરી છે. આ બેઠક જે પહેલા બપોરે 12 વાગ્યે થવાની હતી, તે સાંજે 5 વાગ્યે પૂરી થઈ.