ડ્રગ્સ વેચનારની મિલકતોની હરાજી કરી નાણા વિકાસ કાર્યો પાછળ વપરાશે
ગુજરાતનો દરિયો કાંઠો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું હબ બન્યું હોય તેમ આશ્ચર્યજનક રીતે ભૂપેન્દ્રભાઇ પટેલની સરકારમાં ગુજરાતમાં ડ્રગ્સની ઘૂસણખોરી થાય છે. તંત્ર દ્વારા પકડવામાં આવે છે તેનાથી અનેકગણું ડ્રગ્સ ગુજરાતમાંથી આખા દેશમાં પગ કરી જાય છે. એક સમયે પંજાબ ઉડતા પંજાબ કહેવાતું હતું પરંતુ હવે ગુજરાત દેશમાં ડ્રગ્સ માટે કુખ્યાત બન્યું છે. સરકારના ગમે તે દાવા હોય પરંતુ છેલ્લા ચાર વર્ષમાં ૯૬૦૦ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી ઝડપાયું છે તેની સામે કેટલું ડ્રગ્સ ગુજરાત માર્ગે દેશમાં ઘૂસી ગયું હશે તેનો કોઇ અંદાજ નથી. જો કે સરકારે એવી જાહેરાત કરી છે કે ડ્રગ્સ વેચનારની મિલકતો હરાજી કરી નાણા વિકાસ કાર્યો માટે ખર્ચાશે. પરંતુ ગુજરાતમાં ડ્રગ્સ આવતું કેમ રોકાશે તેની કોઇ સરકાર પાસે રૂપરેખા નથી.
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ૯૬૭૯ કરોડનું ૮૭.૬૫૦ કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજયમાં ડ્રગ્સનું દૂષણ રોકવા ગૃહ વિભાગ અપ ટુ બોટમ અને બોટમ ટુ અપ સિસ્ટમથી કામ કરશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોમવારે જણાવ્યું હતું કે ડ્રગ્સના નાનામાં નાના કેસમાં પણ ઉપરી અધિકારીઓ ઝીણવટી તપાસ કરીને તેના જડમૈળ સુધી પહોંચશે. આટલું જ નહીં ડ્રગ્સના ધંધામાં ખૂબ જ પૈસા હોવાથી આ પૈસાનો ઉપયોગ નાર્કો ટેરરીઝમમાં થતો હોવાથી ડ્રગ્સનો ધંધો કરતા લોકોની મિલકતો ટાંચમાં લઇને તે પૈસા ગુજરાતના લોકોના વિકાસ પાછળ વાપરશે.
રાજયના ગૃહ વિભાગ દ્વારા એન્ટી ડ્રગ્સ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. જે વિશે વાત કરતા ડીજીપી વિકાસ સહાય એ જણાવ્યું હતું કે ત્રણ પ્રકારના ડ્રગ્સનું ચલણ છે. જેમાં નેચરલ, સેમી સિન્થેટીક અને સિન્થેટીક. આ તમામ ડ્રગ્સ અફીણ, ગાંજા અને કોકો પાઉડરમાંથી બને છે. જેમાં એમડી ડ્રગ સિન્થેટીક ડ્રગ છે. ૨૦૨3ના એક રિપોર્ટ મુજબ દુનિયામાં ૨૯૬ મીલીયન ડ્રગ યુઝર છે. જેમાં ૧૫ થી ૬૪ વર્ષના પ ટકા લોકો ડ્રગ્સના બંધાણી છે.


