ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
અનેક વાહન ચાલકોને હડફેટે લેનાર ભાગતા અલ્ટો કાર ચાલકને લોકોએ ઝડપી પાડી ‘મેથી પાક’ આપ્યો
અગ્ર ગુજરાત, ગોંડલ
રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગત રાત્રે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. એક નશામાં ધૂત કાર ચાલકે પાંજરાપોળ પાસે અકસ્માત સર્જી ભાગવાનો પ્રયાસ કરતા શહેરના મુખ્ય માર્ગો પર અફરાતફરી મચી ગઈ હતી. ફિલ્મી સ્ટાઈલમાં થયેલા આ પીછા બાદ અંતે લોકોએ આરોપીઓને પાઠ ભણાવ્યો છે.
પાંજરાપોળ પાસે GJ 01 HP 3789 નંબરની અલ્ટો કારના ચાલકે એક બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક ઉભો રહેવાને બદલે ફૂલ સ્પીડે કાર હંકારી નાસી છૂટ્યો હતો. અન્ય વાહન ચાલકોએ આ અલ્ટો કારનો પીછો કરવાનું શરૂ કર્યું. ટ્રાફિકથી ધમધમતા નાની બજાર, માંડવી ચોક અને સેન્ટ્રલ ચોક જેવા વિસ્તારોમાં કાર ચાલકે ગાડી બેફામ દોડાવતા અનેક લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. આખરે આશાપુરા ચોકડી પાસે લોકોએ કારને ઘેરી લીધી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાર ચાલક અને તેની સાથેના અન્ય એક શખ્સને બહાર કાઢી બરાબરનો ‘મેથી પાક’ ચખાડ્યો હતો. લોકોએ કારમાં તોડફોડ કરી તેનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે અકસ્માત સર્જનાર કારમાંથી દારૂની બોટલ, ગ્લાસ અને બાયટીંગ જેવી સામગ્રી મળી આવી છે, જે સ્પષ્ટ કરે છે કે ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા કાર ચાલક અને તેના સાથીને ટોળામાંથી છોડાવી સારવાર અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ ગોંડલ બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


