ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલી ખામૈનીએ સોમવારે જણાવ્યું કે ઇરાન અમેરિકા સાથે નવેસરથી પરમાણુ સંધિ ન કરે તો ઇરાન પર બોમ્બમારો કરવાની અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી ધમકીનો અમેરિકા અમલ કરશે તો તેને પણ જવાબમાં મોટો ફટકો મળશે. ટ્રમ્પે રવિવારે ઇરાનને ધમકી આપી હતી કે તેમણે તાજેતરમાં ઇરાનના નેતૃત્વને પાઠવેલા પત્રમાં વાટાઘાટોનો પ્રસ્તાવ મૂક્યો હતો અને જો ઇરાન આ પ્રસ્તાવ નહીં સ્વીકારે તો અમે ઇરાન પર બોમ્બમારો કરીશું. તેમણે
ઇરાનને આ મામલે નિર્ણય લેવા બે મહિનાનો સમય આપ્યો હતો. ખામૈનીએ કહ્યું કે અમેરિકા અને ઇઝરાયેલ સાથે અમારે કાયમ દુશ્મનાવટ રહી છે. તેઓ અમારા પર હુમલાની ધમકી આપે છે પણ તેવી કોઇ સંભાવના હોવાનું અમને લાગતું નથી. જોકે તેઓ કોઇ દુઃસાહસ કરશે તો અમે તેના વળતા જવાબરૂપે તેમને પણ ભારે ફટકો પહોંચાડીશું. તેમણે ઉમેર્યું હતું કે જો અમેરિકા અને ઇઝરાયેલ પાછલા વર્ષોની જેમ
ઇરાનમાં રાજદ્રોહ ફેલાવવાનું વિચારી રહ્યા છે તો ઇરાનની જનતા જ તેમનો મુકાબલો કરશે. ઉલ્લેખનીય છે કે ઇરાની સત્તાવાળાઓ ઘરઆંગણે તાજેતરની અશાંતિ માટે પશ્ચિમના દેશોને દોષિત ઠેરવે છે.
જેમાં 2022-2023માં હિજાબ અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અટકાયતમાં લેવાયેલી યુવતી મહસા અમીનીના કસ્ટડીમાં મોત બાદ થયેલા વિરોધ પ્રદર્શન અને 2019માં ઇંધણોના ભાવવધારા સામે દેશવ્યાપી વિરોધનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે ઇરાને અમેરિકાના પત્રનો જવાબ આપ્યો હતો, જેમાં રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા સાથે સીધી વાટાઘાટો નહીં કરે પરંતુ ખામૈનીના આદેશ અનુસાર પરોક્ષ રીતે વાટાઘાટો ચાલુ રાખવા માટે તૈયાર છે.


