– સંપૂર્ણ વર્ષની આયાત ઘટી ત્રણ વર્ષની નીચી સપાટીએ ઉતરી આવે તેવો મુકાઇ રહેલો અંદાજ
Updated: Nov 1st, 2023
મુંબઈ : ઊંચા ભાવને કારણે વર્તમાન વર્ષના ડીસેમ્બર ત્રિમાસિકમાં દેશની સોનાની માગ નબળી જોવા મળવાની ધારણા ંછે અને ૨૦૨૩ના સંપૂર્ણ વર્ષની માગ ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળવાની વકી છે. ઘરઆંગણે સોનાની નીચી માગથી આયાતમાં ઘટાડો થશે જેને પરિણામે દેશના વેપાર ખાધ કાબુમાં રહેશે અને રૂપિયાને ટેકો મળી રહેશે એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા જણાવાયું છે.
વિશ્વમાં ભારત સોનાનો બીજો મોટો વપરાશકાર દેશ છે અને ભારતમાં ખરીદીમાં ઘટાડાથી ગોલ્ડના ભાવની રેલીને પણ બ્રેક લાગશે એમ કાઉન્સિલના ભારત માટેના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆર દ્વારા જણાવાયું હતું.
સામાન્ય રીતે ડીસેમ્બર ત્રિમાસિકમાં દશેરા તથા દિવાળીના તહેવારો તથા લગ્નસરા નિમિત્તે દેશમાં સોનાની માગ નીકળતી હોય છે. આ ગાળામાં સોનાની સૌથી વધુ માગ રહે છે.
ગયા વર્ષના ડીસેમ્બર ત્રિમાસિકની સરખામણીએ વર્તમાન વર્ષમાં સોનાના ભાવ વીસ ટકા ઊંચા છે. ગયા વર્ષે ડીસેમ્બર ત્રિમાસિકમાં સોનાની માગ ૨૭૬.૩૦ ટન્સ રહી હતી તેની સરખામણીએ વર્તમાન વર્ષમાં તેમાં ઘટાડો જોવા મળવાની શકયતા છે. હાલમાં સોનાના ઊંચા ભાવની ખરીદી પર અસર જોવા મળી રહી છે. સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નીચા ભાવને કારણે વપરાશ દસ ટકા વધી ૨૧૦.૨૦ ટન્સ રહ્યો હતો. નીચા ભાવને કારણે જ્વેલરી તથા ઈન્વેસ્ટમેન્ટ માગ નીકળી હતી.
વર્તમાન વર્ષના જાન્યુઆરીથી સપ્ટેમ્બરના ગાળામાં સોનાની માગ ૩.૩૦ ટકા ઘટી ૪૮૧.૨૦ ટન્સ રહી છે. ૨૦૨૨માં ૭૭૪.૧૦ ટન્સની સરખામણીએ વર્તમાન વર્ષમાં સોનાની માગ ઘટી ૭૦૦ ટન સાથે ત્રણ વર્ષની નીચી સપાટીએ જોવા મળવાની પણ તેમણે શકયતા વ્યકત કરી હતી.
ગોલ્ડના ઊંચા ભાવને કારણે લોકોએ પોતાનું મોટી માત્રામાં જુનું સોનુે વેચવા કાઢ્યું છે જેને કારણે સ્ક્રેપનો પૂરવઠો ૩૭ ટકા જેટલો વધી ૯૧ ટન રહ્યો હોવાનું કાઉન્સિલના આંકડા જણાવે છે.
સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાની વૈશ્વિક માગ છ ટકા ઘટી
વર્તમાન વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં સોનાની વૈશ્વિક માગ છ ટકા ઘટી ૧૧૪૭.૫૦ ટન રહી હતી. કેન્દ્રીય બેન્કો તરફથી સોનાની લગડી તથા કોઈન્સ માટેની માગ નબળી રહી હતી, એમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટમાં જણાવાયું છે. વિશ્વમાં સોનાના મોટા વપરાશકાર ચીનમાં સપ્ટેમ્બર ત્રિમાસિકમાં સોનાનો વપરાશ સાધારણ વધી ૨૪૭ ટન રહ્યો હતો. ગયા વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ચીનમાં સોનાનો વપરાશ ૨૪૨.૭૦ ટન રહ્યો હતો.પાકિસ્તાનમાં સોનાની માગ ૧૧ ટકા ઘટી ૧૧.૬૦ ટન રહી હોવાનું પણ કાઉન્સિલના આંકડા જણાવે છે. સોનાના ઊંચા ભાવ ઉપરાંત આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનાની માગમાં વાર્ષિક ધોરણે ઘટાડો થયો છે.