રાજ્ય સરકારે સમયસર પ્રોગ્રેસ રિપોર્ટ અને યુટિલાઈઝેશન સર્ટિફિકેટ નહીં આપતાં ફંડ રિલીઝ થઈ શક્યું નહીં
કુંડારિયાના સૌથી વધુ પાંચ અને બાકીના સાંસદોના ત્રણથી ચાર ઈન્સ્ટોલમેન્ટ પડતર
સાંસદોની જાગૃતિનો અભાવ અને ગુજરાત સરકારની લાપરવાહીના કારણએ કેન્દ્ર સરકાર દ્વારા સાંસદોને આપવામાં આવતા 222 કરોડનું ફંડ ક્લીયરન્સના અભાવે વાપરી શકાયું નથી. આ કારણએ શહેર અને ગામડાઓના વિકાસના અનેક પ્રોજેકટોને અસર થશે.
આ બાબત રાજ્ય સરકાર અને ગુજરાતના ૨૬ સાંસદોને લાગુ પડે છે, કારણ કે રાજ્ય સરકારની લાપરવાહીના કારણે ગુજરાતના સાંસદો તેમને મળતા ફંડનો સમયસર ઉપયોગ કરી શક્યા નથી, જ્યારે માર્ચ ૨૦૨૩ પછી સાંસદોને ફંડના ઇન્સ્ટોલમેન્ટ મળ્યા નથી.
ભારત સરકારના મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ ડિવિઝન દ્વારા દેશના તમામ સંસદસભ્યોને મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ (MPLAD) હેઠળ દર વર્ષે પાંચ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે છે. દેશમાં લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી આ ફંડ ચર્ચામાં આવેલું છે.
લોકસભાની વર્તમાન ટર્મ માટે ગુજરાતના ૨૬ સાંસદોને કેન્દ્ર સરકારે આ ફંડ પેટે વ્યક્તિગત રીતે ૧૭ કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું પરંતુ તે પૈકી માત્ર ૭થી ૯ કરોડ રૂપિયા જ સાંસદો તેમના વિસ્તારમાં વાપરી શક્યા છે. વિવિધ કારણોસર ફંડની પુરેપુરી રકમ વાપરી શકાઈ નથી. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાના સૌથી વધુ પાંચ અને બાકીના સાંસદોના ત્રણથી ચાર ઇન્સ્ટોલમેન્ટ પડતર છે.
ભારત સરકારની MPLAD વેબસાઈટ ઉપર ૫મી એપ્રિલ ૨૦૨૪માં આપવામાં આવેલા અપડેટ આંકડા પ્રમાણે ગુજરાતના ૧૮ સંસદસભ્યોના ૨૦૨૨થી ફંડના ઈન્સ્ટોલમેન્ટ બાકી છે. આઠ સંસદસભ્યો એવાં છે કે જેમના ઇન્સ્ટોલમેન્ટ ૨૦૨૩-૨૪થી પડતર છે. ફંડ રિલીઝ નહીં કરવાના કારણોમાં મુખ્ય કારણ એવું છે કે ગુજરાત સરકાર દ્વારા પ્રોગ્રેસ રિપોર્ટ અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સમયસર રજૂ કરવામાં આવ્યા નથી
રાજ્ય સરકારે યોગ્ય રિપોર્ટ નહીં કરવાના કારણે સંસદસભ્યોએ તેમના મતવિસ્તારમાં વિકાસના કામો કરવાની તક ગુમાવી છે. મહત્વનું છે કે ૨૬ પૈકી ૨૨ સંસદસભ્યોએ તેમના મતવિસ્તારમાં વિવિધ કામોની ભલામણો પણ કરી દીધી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ૩૧મી માર્ચ ૨૦૨૩ પછી કુલ ૨૨૨ કરોડનું ફંડ રિલીઝ થયું નથી. કેન્દ્રએ આ ટર્મમાં ૨૨૦ કરોડ રૂપિયાનું જ ફંડ રિલીઝ કર્યું છે.
સૌથી વધુ ૧૨ કરોડનું ફંડ રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનું રિલીઝ થવાનું બાકી છે, જ્યારે જે થવાનું કરોડ જેટલું બાકી છે તેમાં ભાવનગરના ભારતી શિયાલ, દાહોદના જસવંતસિંહ ભાભોર, વલસાડના ડો. કેસી પટેલ, સુરેન્દ્રનગરના મહેન્દ્ર મુજપરા, બારડોલીના પ્રભુ વસાવા, જૂનાગઢના રાજેશ ચુડાસમા, પંચમહાલના રતનસિંહ રાઠોડ અને મહેસાણાના શારદાબેન પટેલનો સમાવેશ થાય છે. બાકીના સાંસદોનું વ્યક્તિગત રીતે ૭.૫ કરોડનું ફંડ બાકી છે.
કેન્દ્ર સરકારે ગુજરાતના ૨૬ સંસદસભ્યોના મતવિસ્તારના કામો માટે ફાળવણી કરેલા રૂપિયા અને બાકી ફંડના આંકડા આ પ્રમાણે છે.
બેઠક સાંસદ સભ્ય ફાળવણી (કરોડ) બાકી (કરોડ)
જૂનાગઢ રાજેશ ચુડાસમા 7.0 10.0
દાહોદ જસવંત ભાભોર 7.0 10.0
ગાંધીનગર અમિત શાહ 9.5 7.5
રાજકોટ મોહન કુંડારિયા 5.0 12.0
પાટણ ભરતસિંહ ડાભી 9.5 7.5
આણંદ મિતેશ પટેલ 9.5 7.5
અમદાવાદ-ઉ કિરીટ સોલંકી 9.5 7.5
પંચમહાલ રતનસિંહ રાઠોડ 7.5 10.0
ભરૂચ મનસુખ વસાવા 9.5 7.5
બારડોલી પ્રભુ વસાવા 7.0 10.0
ભાવનગર ભારતી શિયાલ 7.0 10.0
સુરેન્દ્રનગર મહેન્દ્ર મુજપરા 7.0 10.0
ખેડા દેવુસિંહ ચૌહાણ 7.0 10.0
સાબરકાંઠા દીપસિંહ રાઠોડ 9.5 7.5
નવસારી સીઆર પાટીલ 9.5 7.5
કચ્છ વિનોદ ચાવડા 9.5 7.5
સુરત દર્શના જરદોશ 9.5 7.5
પોરબંદર રમેશ ધડુક 9.5 7.5
વલસાડ કેસી પટેલ 7.0 10.0
મહેસાણા શારદાબેન પટેલ 7.0 10.0
બનાસકાંઠા પરબત પટેલ 9.5 7.5
વડોદરા રંજન ભટ્ટ 9.5 7.5
અમદાવાદ-ઈ હસમુખ પટેલ 9.5 7.5
જામનગર પૂનમ માડમ 9.5 7.5
છોટા ઉદેપુર ગીતાબેન રાઠવા 9.5 7.5
અમરેલી નારણ કાછડિયા 9.5 7.5
કુલ તમામ સાંસદા 220.0 222.0


