પશુધન અને વ્યવસાય ટકાવવાનું અઘરૂ બન્યું : બાગાયતી પાક તરફ ખેડૂતો વળતાં ઘાસચારાના ઉત્પાદનને અસર
રાજયમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તેની અસર ઘાસચારા ઉપર પણ જોવા મળી રહી છે. રાજયમાં લીલા ઘાસચારાની તંગી વર્તાઇ રહી છે અને તેના કારણે ભાવમાં પણ ભડકો જોવા મળી રહ્યો છે. ઘાસચારામાં સતત વધી રહેલા ભાવના કારણે પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે અને પશુધનનું પાલન કરવામાં અડચણ આવી રહી છે. વ્યવસાયમાં પણ ખોટ આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સરકાર દ્વારા વહેલી તકે ઘાસચારા માટે પણ કોઇ રાહત આપે તેવી માંગ ઉઠી છે. ખેડૂતો બાગાયતી પાક તરફ વળતાં ઘાસચારાનું ઉત્પાદન ઘટી ગયું છે અને તેના કારણે ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. લીલો ઘાસચારો નહી મળતો હોવાથી પશુઓને પણ ભારે હાલાકી પડી રહી છે.
કચ્છના ખેડૂતો બાગાયતી પાકો તરફ વળતાં ચારાનું વાવેતર ઘટયું છે. આથી ચારાના ભાવ આસમાને પહોંચતાં પશુપાલકોને પશુધન અને વ્યવસાય ટકાવવા અઘરા બન્યા છે. જિલ્લામાં દૂધ ડેરી ઉદ્યોગ ફુલ્યો-ફાલ્યો છે, જેના લીધે પશુધનમાં પણ અનેકગણો વધારો નોંધાયો છે અને પશુધનના લે-વેચના વ્યવસાય સાથે પશુધનના ભાવ પણ ઊંચકાયા છે , પરંતુ અહીંના ખેડૂતો બાગાયતી પાકો જેવા કે દાડમ , ખારેક , નાળિયેર સહિતના પાકોનું વાવેતર વધતાં અને ચારાનું વાવેતર ઘટતાં ચારાના ભાવ આસમાને પહોંચ્યા છે , જેની સામે દૂધના ભાવમાં પૂરતા પ્રમાણમાં વધારો ન હોતાં માલધારીઓ કહી રહ્યા છે કે હાલની પરિસ્થિતિએ પશુધન અને આ વ્યવસાયમાં પણ હવે ટકવું મુશ્કેલ છે . આથી ભાવમાં સમાનતા જળવાય તે જરૂરી હોવાનું માલધારીઓનો સૂર છે અને ડેરી ઉદ્યોગ પણ ભાવ વધારવાના બદલે ફેટ ઉપર 10 પૈસાનો ઘટાડો કરતાં , જે માલધારીઓ ઉપર આર્થિક ફટકો જ છે . પશુપાલકોની આ વિકટ પરિસ્થિતિ અંગે તપાસ કરતાં જોયું તો હાલમાં ઘઉંની સિઝન પૂર્ણ થવા આવી છે ત્યારે ઘઉંમાંથી પશુઓ માટે નીકળતો ચારો જેને પરાર કહેવાય , જેના ભાવ હાલમાં 40 કિલો એટલે એક મણના 300 થી 350 છે , જ્યારે સૂકા વતરાના 500 રૂપિયા ભાવ છે . તો ખાણ – દાણના ભાવ જોતાં ભૂસું 1100 થી 1180 અને ખડ 1500 થી 1580 જેટલા એક ગૂણીના ભાવ ચાલે છે , જેની સામે ગાયનાં દૂધના ભાવ એક લિટરના 40 થી 45 રૂપિયા જ્યારે ભેંસનાં દૂધના ભાવ 55 થી 60 રૂપિયે વેચાણ થઇ રહ્યું હોવાનું માલધારીઓ કહી રહ્યા છે , જેથી ચારાના ભાવ આસમાને હોતાં સામે દૂધના ભાવમાં પૂરતો વધારો ન હોતાં માલધારીઓને હાલની પરિસ્થિતિએ પરવડતું નથી તેવો સૂર સંભળાય છે . આ અંગે દૂધ અને પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા પ્રકાશભાઇ કાનાણીએ જણાવ્યું કે , ખેતી અને પશુપાલનનો વ્યવસાય એકબીજાના પૂરક છે . પરંતુ અહીંના ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળતાં ચારાનું વાવેતર ઘટયું છે , જેના લીધે ચારાના ભાવ વધી ગયા છે , પણ દૂધના ભાવ તો ` જૈસે થે ‘ ની પરિસ્થિતિમાં હોતાં હવે આ વ્યવસાયમાં પણ તકલીફ ઊભી થવા માંડી છે , તો બીજીતરફ ગાય – ભેંસની ખરીદી કરવી હોય તો દિવસે તારા જોવા પડે એટલા મોંઘા ભાવ છે અને પછી પણ ચારો મોંઘો હોતાં તેનો નિભાવ અઘરો બન્યો છે , જેથી તેમાં સમાનતા જળવાય તે જરૂરી હોવાનું કહ્યું હતું . આ ઉપરાંત પશુપાલન વ્યવસાયમાં રાત – દિવસ એક કરતા અનિલભાઇ સામરાભાઇ ગઢેરાએ આપવીતી વર્ણવતાં કહ્યું હતું કે , 25 થી 30 ગાય – ભેંસ ઘરઆંગણે બાંધી હોય તો અન્ય વ્યક્તિને એમ લાગે કે આ તો મોટો માલધારી છે અને સારી આવક ધરાવતો હશે , પણ અનુભવ હોય એને જ ખબર હોય . ઘઉંના પરારના ભાવ આસમાને , તો રાજકોટ કે અન્ય સ્થળેથી ચણાના ચારાની ખરીદી કરીએ છીએ જેના પણ મણ 350 ના ભાવે આવે છે , તો ભૂસાંના ભાવ પણ ઊંચા છે , જેથી માલધારી ધારે તો વર્ષે 25 માંથી 30 ભેંસ કરી લે તે હવે સમય નથી રહ્યો . કાળી મજૂરી કરીએ તો માંડ માંડ કુટુંબ – પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી પરિસ્થિતિ છે .


