- દરેક ચાર રસ્તા ઉપર દંડ ઉઘરાવવામાં વ્યસ્ત પોલીસને કારણે ટ્રાફિક રામભરોસે
- પોલીસની અવ્યવસ્થાને કારણે સામાન્ય નાગરિકો ટ્રાફિક સંચાલનમાં જોડાયા
- સીજી રોડ તેમજ લો ગાર્ડનમાં ટ્રાફિકના કારણે અફરાતફરી મચી રહી છે
દિવાળીના તહેવારમાં ટ્રાફિકની રોક્કળ શરૂ થઈ છે, શહેરના પશ્ચિમ અને પૂર્વના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રીયતાને કારણે હજારો વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને શહેરના બજારોમાંથી પસાર થવું વાહનચાલકો માટે મુશ્કેલ બની રહ્યું છે. શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, પ્રહલાદનગર રોડ, પાલડી, એલિસબ્રિજ, નહેરૂબ્રિજ, ગુરૂકુળ, સોલા રોડ, નારણપુરા, નવા વાડજ, રાયપુર, આસ્ટોડીયા, એલિસબ્રીજ થી જમાલપુર, રિલીફ રોડ, કાલુપુર બ્રિજ, સહિતના વિસ્તારોમાં હેવી ટ્રાફિકને કારણે વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની અવ્યવસ્થાને કારણે ખાનગી માણસોને ટ્રાફિક સંચાલનમાં જોડાવું પડયું છે. દંડ ઉધરાવવામાં વ્યસ્ત પોલીસને કારણે ટ્રાફિક રામભેરોસે હોય તેવી સ્થિતી ઉભી થઈ છે.
દિવાળીના તહેવારોમાં ખરીદી કરવા માટે નીકળેલા લોકોની ભીડ વચ્ચે થતા આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિક જામ થવાના દ્રશ્યો વધી ગયા છે. ખાસ કરીને શહેરના સોલા રોડ અને ગુરૂકુળ વિસ્તારમાં ટ્રાફિકને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ગુરૂકુળ રોડ પર આડેધડ થતા પાર્કિંગ વચ્ચે એક પણ ટ્રાફિકના અધિકારી કે જવાનો હાજર જોવા મળતા નથી. ગુરૂકુળ રોડ પર મેમનગર હનુમાન મંદિર ચાર રસ્તા પાસે સ્થાનિક લોકો ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હોય છે.
તહેવારના દિવસોમાં લાલ દરવાજા, દિલ્હી દરવાજા, પાથરણા બજાર, રિલીફ રોડ, રાયપુર સહિતના વિસ્તારોમાં ખરીદી માટે આવતા લોકોની ભીડ વધતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બીજી તરફ ટ્રાફિકના સંચાલનમાં રહેલા પોલીસ જવાનો દંડ ઉઘરાવવામાં કે મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતા હોવાથી અરાજકતાનો માહોલ સર્જાય છે. દર વર્ષની જેમ નહેરૂબ્રિજ અને એલિસબ્રિજ પાસે ભારે ટ્રાફિક સર્જાતા અફરાતફરી મચી ગઈ છે. ભારે ટ્રાફિકને કારણે વાહનચાલકો રોંગ સાઈડમાં પરત ફરતા હોવાથી જામ થવાના દ્રશ્યો મોટા પાયે સર્જાઈ રહ્યા છે. ટ્રાફિકના સંચાલનમાં મુકવામાં આવેલી ટીઆરબી જવાનો પણ નિયમનો ભંગ કરનાર વાહન ચાલકોને રોકવામાં વ્યસ્ત રહે છે. તહેવારોમાં ખરીદી માટે આવતા લોકોના વાહનો વ્યવસ્થીત પાર્ક કરાવવાનું આયોજન ગોઠવવાની તસ્દી પણ પોલીસ અધિકારીઓ દ્વારા લેવામાં આવી નથી. વાહનચાલકોની ફરિયાદ મુજબ ટ્રાફિક જામને કારણે છેલ્લા કેટલાક દિવસોથી એલિસબ્રિજથી જમાલપુર મ્યુનિસીપલ કોઠા પહોંચતા 45 મિનિટનો સમય લાગી રહ્યો છે.
ટ્રાફિકની આવી જ સમસ્યા એસજી હાઈવે પર તેમજ તેને જોડતા પ્રહલાદનગર રોડ, સેટેલાઈટ, શિવરંજની ચાર રસ્તા અને જોધપુરમાં પણ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર જોવા મળી રહી છે. ખાસ કરીને સીજી રોડ તેમજ લો ગાર્ડનમાં ટ્રાફિકના કારણે અફરાતફરી મચી રહી છે. વાહન ચાલકો સિગ્નલ ભંગ કરીને જા માટે તેમજ રોંગ સાઈડમાં પરત ફરવા માટે મજબૂર બની રહ્યા છે. શહેરના મહત્વના અને મોટા ભાગનના પોઈંટો પર ટ્રાફિક સંચાલન કરવા માટે પોલીસ જવાનો હાજર રહેતા ન હોવાથી ભારે હાલાકી સર્જાઈ રહી છે. પોલીસની ગેરહાજરીને કારણે નિયમોનો ભંગ કરીને વાહનો ચાલકો આડેધડ પસાર થતા હોવાથી ચાર રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.
સામાન્ય દિવસોમાં વાહનો ટો કરતા વાનવાળા અત્યારે ગાયબ
દિવાળીના તહેવારોમાં આડેધડ અને રોડ પર થતા પાર્કિંગના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા દૂર કરવાની તસ્દી ના લેતી ટ્રાફિક પોલીસની ટીમે ટોઈંગના વાહનોને લોક મારી દીધા હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. સામાન્ય દિવસોમાં ટ્રાફિકની સમસ્યા ના હોય તો પણ વાહનો ટોઈંગ કરવા માટે નીકળી પડતી ટોઈંગની વાનો ટ્રાફિકની સમસ્યા છતાં દિવાળીના તહેવારોમાં જોવા મળતી નથી.


