- ભાવનગર જિલ્લામાં ડમ્પર ચાલકો બન્યા બેફામ
- બાઈક પર સવાર બંને લોકોના ઘટના સ્થળ પર મોત
- ભૂમાફિયા ડમ્પર ચાલકો બેફામ બન્યા
રાજ્યમાં ફરી એકવાર કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ભાવનગરના રાજપરામાં બેફામ દોડતા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં બંને લોકોના મોત થયા છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગો હોય કે ગામડિઓના સાંકડા રસ્તાઓ આ તમામ રસ્તાઓ પર હેવી લોડીંગ ભરેલ ટ્રકો પુરઝડપે દોડતા હોય છે.
આ અંગેની માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાના રાજપરા ખોડિયાર નજીક ગુરૂવારે પુરપાટ ઝડપી આવી રહેલા ડમ્પરે બાઈક ચાલકને અડફેટે લીધા હતા. જેમાં બાઈક પર સવાર બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા.
આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો, જયારે સિહોર પોલીસને ઘટનાની જાણ થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહોનુ સ્થળ પર પંચનામું કરી ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી લીધો છે.
આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તંત્રની રહેમ દૃષ્ટિ નીચે ચાલી રહેલાં ભુમાફિયાઓના ડમ્પરો હજુ કેટલા લોકોના જીવ લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે.


