- જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બેદરકારી આવી સામે
- ડોક્ટર ચાર્મી આહીરે મહિલાનું સિઝેરિયન ઓપરેશન કર્યું
- જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
સુરતના અમરેલી ખાતે રહેતા શૈલેષ જશુ સોલંકીના લગ્ન જંબુસરની અમીશા સાથે થયા હતા. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતા તે તેના પિયર આવી હતી. દરમ્યાનમાં પાંચ મહિના પહેલા એટલે કે 22મી સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી.
ડોક્ટર ચાર્મી આહીરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું
મહિલા તબિબ ડોક્ટર ચાર્મી આહીરે તેમની પત્નીનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું જેના બીજે દિવસે તેમની પત્નીનું પેટ ફુલી જતા તબીબએ તેમને દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતા જંબુસરની જ તુષાર પટેલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારુ લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા. જોકે તે બાદ પણ તેમને પેટમાં સતત દુ:ખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડોક્ટરે તેમની પત્નીનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું ચોંકાવનારો ખુલાસો થયો હતો.
જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી
તેમણે ડોક્ટર ચાર્મી આહીરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સાધનો હોય એસએસજીમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા. જોકે વડોદરા એસએસજીમાં પણ તેમને યોગ્ય પ્રત્યુતર નહીં મળતા સુરત આવી તેમની પત્નીનું બે મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29 નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડોક્ટર ચાર્મી આહીરની ગંભીર બેદરકારી જણાતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


