- ધૂળ અને રેતી ભરેલા તોફાનોની 25 ટકા ઘટનાઓ માટે કુદરત સાથેની છેડછાડ જવાબદાર
- વાયુજનીત ધૂળ માનવજીવન અને માનવસ્વાસ્થ્ય માટે ખતરનાક હોવાનો રિપોર્ટમાં દાવો
- હવામાં ઉપસ્થિત ધૂળ અને રેતી એક મોટી સમસ્યા બની ગયા છે
હવામાં ઉપસ્થિત ધૂળ અને રેતી એક મોટી સમસ્યા બની ગયા છે. દર વર્ષે 200 કરોડ ટન ધૂળ અને રેતી આપણા વાતાવરણમાં પ્રવેશ કરી રહ્યા છે. તેને કારણે દર વર્ષે લગભગ 10 લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ જમીન નષ્ટ થઇ રહી છે. જમીન પર પથરાઇ રહેલી આ રેતી અને ધૂળનું પ્રમાણ કેટલું છે તેનો ખ્યાલ એ બાબતથી આવી શકે છે કે આ ધૂળ અને રેતીનું કુલ વજન ગીઝાના 350 પિરામિડ બરાબર છે. યુએન કન્વેંશન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશનના રિપોર્ટમાં આ માહિતી અપાઈ છે. રિપોર્ટ અનુસાર ધૂળ અને રેતી ભરેલા તોફાનોની 25 ટકા ઘટનાઓ માટે કુદરત સાથેની છેડછાડ જવાબદાર છે. તેમાં ખાણોનું ખોદાણ તથા જરૂરથી વધારે થઇ રહેલાં પશુચારાની સાથે જમીનના ઉપયોગમાં આવી રહેલાં બદલાવ, અનઓર્ગેનાઇઝ ખેતી, જંગલોનો વિનાશ, જલ સંસાધનોનું ઝડપથી થઇ રહેલા દોહન જેવી ગતિવિધિઓ સામેલ છે.
ધૂળ સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે
વાયુજનીત ધૂળ માનવસ્વાસ્થ્ય માટે ગંભીર રૂપથી ખતરનાક છે. 10 માઇક્રો મીટરથી મોટા કણ શ્વાસમાં લેવા યોગ્ય હોતાં નથી. તેના કારણે જ ચામડી અને આંખોમાં બળતરા સાથે આંખોમાં સંક્રમણ માટે સંવેદનશીલતા વધી જાય છે. અસ્થમા, ટ્રેકાઇટીસ, ન્યુમોનિયા, એલર્જિક રાઇનાઇટીસ અને સિલિકોસીસ જેવા શ્વાસ સાથે સંકળાયેલી તકલીફો ઊભી થાય છે. યુએનસીસીડીના આંકડાથી જાણકારી મળે છે કે વિશ્વમાં અત્યાર સુધીમાં લગભગ 42 લાખ વર્ગ કિલોમીટર ઉપજાઉ જમીન રેતી અને ધૂળનો ભોગ બની ગઇ છે, જે લગભગ પાંચ મધ્ય એશિયન દેશોના કુલ ક્ષેત્રફળને બરાબર છે.
ભારતમાં 50 કરોડ લોકો સામનો કરી રહ્યા છે
એશિયા પેસિફિક ક્ષેત્ર માટે બનાવવામાં આવેલ સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક કમિશને એક રિપોર્ટમાં સ્પષ્ટતા કરી છે કે ભારતમાં પણ લગભગ 50 કરોડ લોકો આંધીઓના કારણે થયેલા સ્વાસ્થ્ય અને આર્થિક નુકસાનને સહન કરવા મજબૂર છે. યુએનસીસીડીના કાર્યકારી સચિવ ઇબ્રાહિમ થિયાવ કહે છે કે આકાશને અવરોધતાં રેતી અને ધૂળના વિશાળ વાદળો દ્વારા દિવસને રાતમાં બદલતાં જોવા પ્રકૃતિના સૌથી ભયાવહ દૃશ્યોમાંથી એક છે. આ એક એવી ઘટના છે કે જે ઉત્તરીય અને મધ્ય એશિયાથી લઇને ઉપ-સહારા આફરિકા સુધીના દરેક ક્ષેત્રમાં કહેર વર્તાવે છે. તેને મનુષ્ય ખાસ પ્રયાસો દ્વારા ઘટાડી પણ શકે છે.
વિશ્વને થઇ રહ્યું છે મોટું આર્થિક નુકસાન
યુએનસીસીડીએ એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે ધૂળ અને રેતીથી ભરેલાં આંધી અને તોફાનોએ ઉપજાઉ જમીનની ઉત્પાદકતા પર અસર પાડી જ છે સાથે વિશ્વને કૃષિ અને આર્થિક રૂપથી પણ ભારે નુકસાન ઉઠાવવું પડે છે. આ ચેતવણી ઉઝકેબિસ્તાનના સમરકંદમાં ચાલી રહેલી યુએનસીસીડીની પાંચ દિવસની બેઠકમાં સામે આવી છે. 13થી 17 નવેમ્બર 2023 વચ્ચે આયોજીત આ બેઠકનો ઉદ્દેશ વિશ્વભરમાં ભૂ-રક્ષણને પલટવાની દિશામાં થયેલી વર્તમાન પ્રગતિનો ક્યાસ કાઢવાનો છે.