- 100 કરોડનું ડયૂટી ફ્રી ઓઇલ આયાત કર્યું હતું
- મુંદ્રા પોર્ટ પર એડવાન્સ લાઇસન્સથી ઓઇલ આયાત કરી કૌભાંડ આચર્યું
- દિલ્હીના માસ્ટર માઇન્ડ લલિત જૈનની હાલ પૂછપરછ ચાલી રહી છે
મુન્દ્રા પોર્ટ પર ડયુટી ફ્રી ઓઇલની આયાત કરીને લોકલ માર્કેટમાં વેચાણ કરી દેવાના કૌભાંડની અમદાવાદ ડીઆરઆઇની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે કેટલાક અધિકારીઓએ આયાતકાર દિલ્હીમાં છુપાયો હોવાની માહિતીના આધારે તેની ધરપકડ કરીને અમદાવાદ લાવીને ચાર દિવસના રિમાન્ડ મેળવવામા આવ્યા છે. દિલ્હીના માસ્ટર માઇન્ડ લલિત જૈનની હાલ પૂછપરછ ચાલી રહી છે અને કોને કોને ડયુટી ફ્રી ઓઇલ મેળવ્યું અને અત્યાર સુધી ડયુટી ફ્રી ઓઇલ ઉપરાંત કેટલી કોમોડિટીઝની આયાત કરીને ડયૂટી ચોરી કરીને તપાસ ચાલી રહી છે. ટોચના સૂત્રોએ જણાવ્યું કે, મુન્દ્રા પોર્ટ પર વિદેશથી ડયૂટી ફ્રી ઓઇલની આયાત કરાઇ હતી. એડવાન્સ લાઇસન્સના આધારે આયાત કરાઈ હતી. એડવાન્સ લાઇસન્સ હોય ત્યારે કસ્ટમના કાયદા અનુસાર ડયુટી ફ્રી કોઈ પણ ચીજવસ્તુની આયાત કરવામાં આવે તો કસ્ટમ ડયૂટી ભરવી પડતી નથી, પરંતુ શરતો મુજબ આયાતી માલમાંથી ફાઇનલ ગુડ્સ બનાવીને એક્સપોર્ટ કરવામા આવે તો જ એડવાન્સ લાઇસન્સનો બેનિફિટ મળે છે. આ કિસ્સામાં દિલ્હીના આયાતકાર લલિત જૈને મુન્દ્રા પોર્ટ પર અંદાજે 100 કરોડના ડયૂટી ફ્રી ઓઇલની આયાત કરીને તેનુ લોકલ માર્કેટમાં વેચાણ કરીને તગડો નફો કમાઈ લીધો હતો. દિવસના રિમાન્ડ દરમ્યાન બહાર આવેલી વિગતોના આધારે ડીઆરઆઇની ટીમ દેશભરમાં દરોડાની કાર્યવાહી કરે તેવી માહિતી જાણવા મળી છે.


