- સબમરીન દ્વારા દરિયામાં જૂની દ્વારકાના દર્શન શક્ય બનશે
- મઝગાંવ ડોક કંપની સાથે ગુજરાત સરકારની સમજૂતી
- વાઇબ્રન્ટ સમિટમાં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા
દ્વારકામાં જગતમંદિરના દર્શનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં હવે દ્વારકાધીશના દર્શનની સાથે દરિયામાં 300 ફૂટ નીચે સબમરીનથી દ્વારકાના દર્શન થઈ શકશે. જેની સાથે જ આગામી સમયમાં દ્વારકાના દરિયામાં ડૂબકી લગાવતી સબમરીન યાત્રિકો માટે ઉપલબ્ધ બનશે.
સબમરીન દ્વારા દ્વારકાના દરિયામાં રહેલી જુની દ્વારકાના પણ દર્શન શક્ય બનશે. જેના માટે મઝગાંવ ડોક કંપની સાથે ગુજરાત સરકારની સમજૂતી કરવામાં આવી છે. જેના દ્વારા દ્વારકા પ્રવાસનને વધુ વેગ મળશે. જેની સાથે જ યાત્રિકો વર્ષો પૂર્વે ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીના દર્શન કરી શકશે.
સબમરીનનું સંચાલન મઝગાંવ ડોક દ્વારા જ કરવામાં આવશે. આ જન્માષ્ટમી અથવા દિવાળીથી શરૂ થશે. સબમરીન સમુદ્રમાં 300 ફૂટ નીચે જશે. આ રોમાંચક પ્રવાસમાં 2 થી 2.5 કલાકનો સમય લાગશે. ભાડું મોંઘું થશે, પરંતુ સામાન્ય માણસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર તેમાં સબસિડી જેવી છૂટ આપી શકે છે. આ સબમરીનમાં એક સાથે એક વખતમાં 24 યાત્રી અને 6 ક્રૂ-મેમ્બર જઈ શકશે.
રાજ્ય સરકારે ભારત સરકારની કંપની મઝાગાંવ ડોક શિપયાર્ડ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. આ માટે જાન્યુઆરીમાં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં સત્તાવાર જાહેરાત થાય તેવી શક્યતા રહેલી છે. આગામી સમયમાં દ્વારકાના પ્રવાસનને વધુ વેગ મળશે.

સિગ્નેચર બ્રિજ 90% તૈયાર, ઇકો ટુરિઝમ, ડોલ્ફિન વ્યુઇંગ ગેલેરી
દેવભૂમિ કોરિડોર હેઠળ બેટ દ્વારકા ટાપુને વિશ્વના નકશા પર લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. સૌથી મોટું આકર્ષણ સિગ્નેચર બ્રિજ છે. 900 કરોડ રૂપિયામાં બનેલો આ 2320 મીટર લાંબો ચાર લેન બ્રિજ ભારતનો સૌથી મોટો કેબલ બ્રિજ છે. તે 90% તૈયાર છે. આ પ્રોજેક્ટમાં 12 જ્યોતિર્લિંગમાં સમાવિષ્ટ નાગેશ્વર મંદિર અને હનુમાનજી અને તેમના પુત્રના મકરધ્વજ મંદિરનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.


