દ્વારકાની દીવાદાંડીના ત્રીજા માળેથી પડતુ મૂકી માતાનો પુત્ર સાથે આપઘાત
પ્રવાસીઓથી ખીચોખીચ લાઇટ હાઉસ પરથી બનેલા બનાવથી ફફડાટ ફેલાયો
અગ્ર ગુજરાત, દ્વારકા
પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સુપ્રસિદ્ધ લાઈટહાઉસના ત્રીજા માળેથી એક મહિલાએ પોતાના 6 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. માતા-પુત્રની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બે દિવસ પૂર્વે જ એક યુવાને દરિયામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો, ત્યાં બીજી ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.
યાત્રાળુઓની ભીડથી ધમધમતા દ્વારકાના લાઈટહાઉસ ખાતે કરુણ બનાવ બન્યો હતો. 5 માળના લાઈટહાઉસના ત્રીજા માળેથી 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મળતી વિગતો મુજબ, મૃતક માતા અને પુત્ર દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પ્રવાસન સીઝન હોવાથી લાઈટહાઉસ પર સહેલાણીઓની અવરજવર વધુ હોય છે, તેવામાં આ ઘટના બનતા પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકા નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ આત્મહત્યા છે કે અકસ્માત, તેમજ કયા કારણોસર મહિલાએ આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.


