લોકપ્રિય ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના સ્ક્રીનિંગ કાર્યક્રમે હવે વહીવટી વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે. દેવભૂમિ દ્વારકાના સર્કિટ હાઉસ ગ્રાઉન્ડમાં જ્યારે ફિલ્મના સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ત્યાં ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવતા કાયદાકીય પ્રશ્નો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષાના કારણોસર જિલ્લા કલેક્ટર દ્વારા 24 જાન્યુઆરી 2026 સુધી સમગ્ર વિસ્તારમાં ડ્રોન ઉડાવવા પર સખત પ્રતિબંધ લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રતિબંધિત સમયગાળા દરમિયાન જાહેરમાં ડ્રોન ઉડાડવા બદલ ફિલ્મની ટીમ સામે હવે આંગળીઓ ચીંધાઈ રહી છે.
વિવાદોનો પરપોટો
જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સરેઆમ ભંગ થતા સ્થાનિક સ્તરે ઉગ્ર પ્રત્યાઘાતો પડ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ ઉઠી રહી છે. સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતા દ્વારકા જેવા યાત્રાધામમાં ડ્રોનનો ઉપયોગ એ ગંભીર બેદરકારી માનવામાં આવી રહી છે. અગાઉ પણ વિવાદોમાં રહી ચૂકેલી આ ફિલ્મ માટે આ નવો વિવાદ મુશ્કેલીઓ વધારી શકે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ વિભાગ આ મામલે એફઆઈઆર નોંધીને ડ્રોન ઓપરેટર અને ફિલ્મના આયોજકો સામે શું પગલાં લે છે.
આ પણ વાંચો : Surat News : પતિએ જ રચેલા મોતના ષડયંત્રનો અંત, ફાયરિંગનો ભોગ બનેલા RFO સોનલ સોલંકીએ અંતિમ શ્વાસ લીધા


