- યાત્રાધામ દ્વારકામાં 2 કલાકમાં જ 9 ઈંચ વરસાદ
- અનેક વિસ્તારો પાણીમાં થયા ગરકાવ
- રેલવે સ્ટેશન રોડ પર કમરસમા પાણી ભરાયા
હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે મેઘરાજા દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન દ્વારકામાં 12 ઈંચ સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે. દ્વારકામાં 2 કલાકમાં 9 ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. તમામ રસ્તા પર નદીઓ વહી અને ખેતરો પાણીથી તરબોળ થઇ ગયા છે.
દ્વારકા ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો, આજે વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા 4 ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા વરસાદના કારણે પાણી ફરી વળતા રસ્તા ધોવાઈ જવાથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.
મુશળધાર વરસાદી પાણીના પુરમાં 2 લોકો તણાયા, NDRF દ્વારા રેસ્ક્યૂ
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે મુશળધાર વરસાદી પાણીના પુરમાં 2 લોકો તણાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભાટીયા ગામે નિચાણવાળા વિસ્તારમાં પાણીના પ્રવાહમાં ફોર વ્હીલ કાર સાથે કારમાં સવાર 2 લોકો તણાયા છે. કાર સાથે બંને લોકો તણાયા હોવાથી જાણ કલ્યાણપુર પોલીસને થતા NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચીને પાણીના પુરમાં તણાતા બંને લોકોનું NDRF જાંબાજ ટીમ દ્વારા રેસ્ક્યું કરાયું છે. તણાયેલા લોકોને નવ જીવન મળતા NDRF અને પોલીસનો આભાર માન્યો હતો. કારમાં સવાર બંને લોકો સુરતના હોવાનું જાણવા મળી રહ્યું છે.
આખા દિવસ દરમિયાન 103 તાલુકામાં વરસાદ નોંધાયો
આજે આખા દિવસ દરમિયાન 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ દ્વારકા જિલ્લામાં 304 મિ.મી., પોરબંદરમાં 215 મિ.મી,જૂનાગઢના કેશોદમાં 212 મિ.મી., વંથલીમાં 179 મિ.મી. ઉમરગામમાં 156 મિ.મી. અને કલ્યાણપુર તાલુકામાં 151 મિ.મી વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળા દરમિયાન 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી દ્વારકામાં સૌથી વધુ 230 મિ.મી (9 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય કલ્યાણપુરમાં 39 મિ.મી, જામનગરના કાલાવડમાં 30 મિ.મી, અને દ્વારકાના ખંભાળિયામાં 27 મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે.


