- મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના ડાયરેક્ટર સામે કન્ટેમ્પ્ટ નોટિસ
- પીડિતોને ચૂકવવાના થતા વળતરના મુદ્દે કોઈ જ બાંધછોડ કરાશે નહીં : HC
- મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થાય હતા
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં ચીફ્ જસ્ટિસની ખંડપીઠે આજે આરેવા કંપનીના બેજવાબદાર વલણને લઇ ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને બબ્બે વખત એફિડેવિટ રજૂ કરવા જણાવ્યું હોવા છતાં કંપની તરફ્થી જરૂરી એફિડેવીટ ફાઇલ નહી થતાં ગંભીર નોંધ લીધી હતી અને ઓરેવા કંપનીના ડાયરેકટર સામે કન્ટેમ્પ્ટ ઓફ્ કોર્ટ અંગેની નોટિસ જારી કરીને એક સપ્તાહમાં ખુલાસા સાથેની એફિડેવીટ રજૂ કરવા હુકમ કર્યો હતો. વધુમાં, હાઇકોર્ટે મોરબી જિલ્લા કલેકટર અને ઓરેવા કંપનીને સાથે બેસીને પીડિતોને કેવી રીતે બનતી તમામ મદદ કરી શકાય તે મુદ્દે જવાબ આપવા નિર્દેશ કર્યો હતો.
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત અંગેની સુનાવણી દરમ્યાન આજે શરૂઆતમાં ઓરેવા કંપની તરફ્થી જણાવાયું કે, કલેકટર દ્વારા કંપનીને કશું જણાવાયું નથી, તેથી કલેકટરના સોગંદનામાનો જવાબ રજૂ કરવા અમને સમય આપો. જો કે, હાઇકોર્ટે સાફ્ શબ્દોમાં જણાવ્યું કે, તમારા ડિરેકટર પહેલાં જેલમાં હતા એટલે તમે કશું કરી શકતા ન હતા એમ કહેતા હતા…તો હવે શું છે…? આ હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલી સુઓમોટો પીઆઇએલ છે. જેમાં કંપનીને સાંભળવા અદાલત બંધાયેલી નથી. તમારે ફ્કત કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું છે. હાઇકોર્ટે પીડિતોને ચૂકવવાના થતા વળતર મુદ્દે બાંધછોડ કરવાનો સાફ્ ઇન્કાર કરી દીધો અને માર્મિક ટકોર કરી હતી કે, એમ જણાય છે કે, ઓરેવા કંપની કોર્ટને ટાળી રહી છે. હાઇકોર્ટે ઓરેવા કંપનીને ફ્ટકાર લગાવતાં જણાવ્યું કે, અમે સીટના રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. આ દુર્ઘટના પાછળ ઓરેવા કંપનીની જ જવાબદારી છે. ઝુલતા પુલમાં લાકડાની જગ્યાએ એલ્યુમિનિયમ લગાવાયું હતુ અને બ્રિજના રીપેરીંગમાં કોઇ નિષ્ણાતની મદદ લેવાઇ ન હતી. કંપની દિવ્યાંગ અને અનાથ બાળકોને વળતર આપવા નથી માંગતી..? કોર્ટે ઓરેવા કંપનીને વેધક સવાલ કર્યા હતા કે, પીડિતોને સહાય કરવા ટ્રસ્ટ બનાવવા કહ્યુ હતુ, તેનું શું કર્યું…? પીડિત પરિવારોના પુનઃવસન અંગે કંપની શું કાર્ય કરશે તેનો જવાબ આપવા ત્રણ મહિના પહેલી કીધુ હતુ, તે મુદ્દે શું કર્યું..? તમે સરકારના સોગંદનામાંની રાહ જોઇને કોર્ટને ટાળી રહ્યા છો..શા માટે ત્રણ મહિના સુધી ઓરેવા કંપનીએ કોઇ સોંગંદનામું રજૂ કર્યું નથી..? જો કે, કંપની તરફ્થી અદાલતની પૃચ્છાઓનો કોઇ જ સંતોષજનક ખુલાસો કરી શકાયો ન હતો. હાઇકોર્ટે વધુમાં ટકોર કરી હતી કે, અગાઉ કંપનીને અદાલત સમક્ષ પીડિતોના પુનઃવસન માટે તમામ સહકાર આપવાની તૈયારી બતાવી હતી પરંતુ કોઇ કામ કરાયું નથી.


