- પાકિસ્તાન ભૂકંપથી હચમચી ગયું
- 5.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
- ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર ભાગ્યા
પાકિસ્તાનમાં આજે (15 નવેમ્બર) સવારે 5:35 વાગ્યે રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. નેશનલ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
અગાઉ ગયા શનિવારે (11 નવેમ્બર) સાંજે લગભગ 6 વાગ્યે પાકિસ્તાનમાં 4.1 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. અને 4 દિવસ બાદ ફરી એકવાર પાકિસ્તાન ભૂકંપથી હચમચી ગયું છે. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 18 કિલોમીટર અંદર હતું.
ભૂકંપનું મુખ્ય કારણ
પૃથ્વીની અંદર ટેકટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે જેના કારણે વાઇબ્રેશન્સ સર્જાય છે. તે વાઇબ્રેશનને કારણે ધરતી પર ધરતીકંપના આંચકા અનુભવાય છે. વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની અંદર કુલ 12 ટેક્ટોનિક પ્લેટ્સ છે. તે પૃથ્વીની અંદર તરતું રહે છે કારણ કે પૃથ્વીની અંદરની મોટાભાગની વસ્તુઓ પ્રવાહી સ્વરૂપમાં હોય છે. દર વર્ષે ટેક્ટોનિક પ્લેટ 4થી 5 mm બદલાતી રહે છે. આ સમય દરમિયાન ટેકટોનિક પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે, જેના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે.
નેપાળમાં ભૂકંપના આંચકા
નવેમ્બરના શરૂઆતના દિવસોમાં નેપાળમાં 6.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 3 નવેમ્બરે આવેલા ભૂકંપના કારણે 150થી વધુ લોકોના મોત થયા હતા. આ સિવાય 1 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આમાંના કેટલાક લોકોને સારવાર માટે ભારત રીફર પણ કરવામાં આવ્યા હતા. નેપાળના ‘નેશનલ અર્થકવેક મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર’ અનુસાર, 3 નવેમ્બરે રાત્રે 11.32 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, જેના આંચકા દિલ્હી સુધી અનુભવાયા હતા.નેપાળના જાજરકોટ જિલ્લામાં પણ મોટાપાયે નુકસાન થયું હતું, કારણ કે આ ભૂકંપનું કેન્દ્ર હતું.
નિષ્ણાંતોના મતે જ્યારે ભૂકંપ આવે ત્યારે આપણે સુરક્ષિત સ્થળોએ જવું જોઈએ. આ સમય દરમિયાન વ્યક્તિએ ખેતરો જેવી નજીકની ખુલ્લી જગ્યાઓ તરફ જવું જોઈએ. જો કોઈ વ્યક્તિ વાહન ચલાવી રહી હોય તો તેણે તરત જ રોકવું જોઈએ. આ સિવાય ભૂકંપ વખતે સૌપ્રથમ પોતાની જાતને શાંત રાખવાનો પ્રયાસ કરવો જોઈએ.


