– અન્ય દેશોની સરખામણીએ ભારતનો હાલનો વિકાસ દર મજબૂત
Updated: Nov 11th, 2023
મુંબઈ : ભારતના અર્થતંત્રમાં સ્થિર વિકાસ થઈ રહ્યો છે, પરંતુ મોટી જનસંખ્યાને ધ્યાનમાં રાખતા દેશમાં પૂરતા રોજગાર નિર્માણ માટે આર્થિક વિકાસ દરની ગતિ આઠ ટકાથી વધુ હોવી જરૂરી છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું.
લોકોની જરૂરિયાતો અને રોજગાર નિર્માણ માટે આપણે આઠથી સાડાઆઠ ટકાના દરે વિકાસ હાંસલ કરવો જરૂરી છે, એમ તેમણે બીજિંગ ખાતે એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યું હતું.અન્ય દેશોની સરખામણીએ ભારતનો હાલનો ૬થી ૬.૫૦ ટકાનો વિકાસ દર મજબૂત છે, પરંતુ આપણી રોજગારની આવશ્યકતાને ધ્યાનમાં રાખતા તે હજુ ધીમો જણાય છે ખાસ કરીને ત્યારે જ્યારે દેશમાં અસંખ્ય એવા યુવાનો છે જેમને રોજગારની જરૂર છે. અન્ય દેશોની સરખામણીએ ભારતનો વિકાસ દર ઊંચો છે, પરંત દેશમાં કાર્યબળમાં દર વર્ષે લાખો યુવાનો જોડાઈ રહ્યા છે જેને જોતા રોજગાર નિર્માણ પૂરતું નથી થતું.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના તાજેતરના આંક પ્રમાણે ઓકટોબરમાં દેશનો બેરોજગારીનો આંક ૧૦.૦૫ ટકા સાથે બે વર્ષ કરતા પણ વધુની ઊંચી સપાટીએ રહ્યો હતો.
આગામી દસ વર્ષમાં ભારતમાં સાત કરોડ નવા રોજગાર ઊભા થવા જરૂરી હોવાનું તાજેતરના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું હતું. ૭.૫૦ ટકાના આર્થિક વિકાસ દર સાથે રોજગારની ૬૫ ટકા જ સમશ્યા ઉકેલાશે.
ચીન તથા વિયેતનામ જેવા ઉત્પાદન ક્ષેત્રે આગેવાન દેશો સાથે સ્પર્ધા કરવા ભારતે તેના વર્કફોર્સને પૂરતી તાલીમ પૂરી પાડવી જરૂરી છે, એમ રાજને વધુમાં જણાવ્યું હતું.ભારતના વિકાસને સંબંધ છે ત્યાંસુધી આપણે કોરોનાની મહામારીમાંથી બહાર આવી ગયા છીએ અને સ્થિર વિકાસ જોઈ રહ્યા છીએ. માળખાકીય ક્ષેત્ર પાછળ સરકારના ખર્ચ, બેન્કોની બેલેન્સ શીટસમાં મજબૂતાઈ તથા ઉચ્ચ મધ્યમ વર્ગ તરફથી નીકળેલી માગ વિકાસને દોરી રહ્યા છે, એમ એક અહેવાલમાં રાજનને આમ કહેતા ટંકાયા હતા.