- ઈક્વાડોરમાં ભૂસ્ખલનને લીધે વિનાશ સર્જાયો
- મૂશળધાર વરસાદ બાદ ભૂસ્ખલન થતા સમગ્ર વિસ્તારમાં કીચડ પથરાયો
- 30થી વધુ લોકો હજી કીચડમાં ફસાયેલા હોવાની આશંકા છે
ઈક્વાડોરમાં મૂશળધાર વરસાદને લીધે લોકોની સમસ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્ય ઈક્વાડોરમાં ભૂસ્ખલનથી એક હાઈવે પર કાટમાળ પડયો હતો. જેમાં છ લોકો દટાઈને મોત થઈ ગયા હતા અને 30 અન્ય લોકો ગુમ થયા છે. અધિકારીઓએ આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે ભારે વરસાદને કારણે દેશભરમાં નદીઓ ભારે તોફાની બની છે. ઈક્વાડોરમાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ભૂસ્ખલનને લીધે સ્થિતિ ખરાબ
શહેરના ફાયર બ્રિગેડ વિભાગના જણાવ્યા પ્રમાણે બાનોસ શહેરમાં કીચડ અને કાટમાળ પર્વત પરથી નીચે સરકી આવ્યો છે. જેથી ત્રણ કાર અને બે ઘર તેમજ એક બસ પર પડયો છે. બાનોસને ઈક્વાડોરનું રિસોર્ટ શહેર પણ કહેવામાં આવે છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે બચાવકર્મી નવ ઈજાગ્રસ્તોની સારવાર કરી રહ્યા છે અને હોનારત સ્થળથી છ મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. જ્યારે 30થી વધુ લોકો હજી કીચડમાં ફસાયેલા હોવાની આશંકા છે.
ભારે વરસાદે સમસ્યા વધારી
ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોથી ઈક્વાડોર અને અન્ય ક્ષેત્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં એલ સાલ્વાડોરમાં ભૂસ્ખલનમાં બે બાળકોનાં મોત થયા હતા. સમગ્ર ઈક્વાડોરમાં તોફાનને લીધે કીચડ અને પૂરના પાણી હાઈવે અને પુલ પર એકઠું થઈ ગયું છે. જેના લીધે દેશના અમેઝોન પ્રાંત સાથે સાંકળતા માર્ગો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. વરસાદની સ્થિતિ એવી બની ગઈ છે કે રાહત અને બચાવ કાર્યમાં સમસ્યા આવી રહી છે.


