- મની લોન્ડ્રિંગ કાયદાને લઇને સુપ્રિમ કોર્ટની ટિપ્પણી
- અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોની વધી શકે મુશ્કેલી
- ઇડી સમન્સ પાઠવે તો હાજર થવુ જરૂરી- સુપ્રિમ કોર્ટ
PMLA એટલે કે મની લોન્ડરીંગ રોકવા કાયદાને લઇને સુપ્રિમ કોર્ટે ટિપ્પણી કરી છે. જે અરવિંદ કેજરીવાલ સહિત અનેક લોકોની મુશ્કેલી વધારી શકે છે. સુપ્રિમ કોર્ટે મંગળવારે કહ્યું કે મની લોન્ડરિંગ મામલે કોઇ તપાસ બેસે છે અને ઇડી કોઇને સમન પાઠવે તો તેણે સમન્સનું માન રાખીને જવાબ આપવો જરૂરી છે. સુપ્રિમ કોર્ટે PMLA કાયદાની કલમ 50ની વ્યાખ્યા કરીને આ વાત જણાવી.
ઇડી પાસે સમન્સ પાઠવવાની છે સત્તા
જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ પંકજ મિથલની બેંચે આ કેસની સુનાવણી કરી રહી હતી. ખંડપીઠે કહ્યું કે જો ED કોઈને મની લોન્ડરિંગ કેસમાં બોલાવે છે, તો તેણે હાજર થવું પડશે અને જો PMLA હેઠળ જરૂર પડશે તો તેણે પુરાવા રજૂ કરવા પડશે. મહત્વનું છે કે પીએમએલએની કલમ 50 મુજબ, ED અધિકારીઓ પાસે તપાસના સંબંધમાં જરૂરી લાગતા કોઈપણ વ્યક્તિને સમન્સ પાઠવવાની સત્તા છે.
શું હતો મામલો ?
ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તમિલનાડુમાં કથિત રેતી ખાણ કૌભાંડની તપાસ કરી રહી છે. EDએ આ તપાસના સંબંધમાં તમિલનાડુના પાંચ જિલ્લા કલેક્ટરને સમન્સ જારી કર્યા હતા. પાંચ અધિકારીઓ વતી તમિલનાડુ સરકારે EDના સમન્સને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી બાદ હાઈકોર્ટે ઈડીના સમન્સ પર સ્ટે મૂક્યો હતો. આ મામલે ED સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. EDએ કહ્યું કે સમન્સ પર મદ્રાસ હાઈકોર્ટનો સ્ટે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે EDની દલીલો સ્વીકારી અને સમન્સ પરનો પ્રતિબંધ હટાવી લીધો. મતલબ કે તમિલનાડુના પાંચેય અધિકારીઓએ હવે ED સમક્ષ હાજર થવું પડશે.
કેજરીવાલની મુશ્કેલીઓ વધી!
સુપ્રીમ કોર્ટની ટિપ્પણી દિલ્હી દારૂની નીતિના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. દિલ્હી લિકર પોલિસી કેસમાં અડધો ડઝનથી વધુ વખત સમન્સ જારી કરવા છતાં અરવિંદ કેજરીવાલ હાજર થયા નથી. આવી સ્થિતિમાં કોર્ટની આ ટિપ્પણી કેજરીવાલની મુશ્કેલીઓ વધારી શકે છે. ઈડીએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં ફરિયાદ કરી છે કે વારંવાર સમન્સ મોકલવા છતાં તેઓ હાજર નથી થઈ રહ્યા.


