- વધુ એક કોંગ્રેસી નેતા પર ઇડીનો સકંજો
- પૂર્વ વનમંત્રીને 29 ફેબ્રુઆરીએ બોલાવ્યા પૂછપરછ માટે
- મની લોન્ડરિંગ અને કોર્બેટ નેશનલ પાર્ક પાખરો રેન્જ કૌભાંડ અંગે તપાસ
દેશમાં થઇ રહેલા વિવિધ સ્કેમને લઇને ઇડી એક્શનમાં આવ્યુ છે. એક બાદ એક નેતાઓ તેની સકંજામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એકવાર ઇડીએ કોંગ્રેસના નેતા પર સકંજો કસ્યો છે. ઇડીએ મની લોન્ડરિંગ મામલે કોંગી નેતા હરકસિંહ રાવત અને તેમની વહુ અનુકૃતિને સમન્સ પાઠવ્યું છે.
29 ફેબ્રુઆરીએ પૂછપરછ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કોર્બેટ નેશનલ પાર્કના પાખરો રેન્જ કૌભાંડ કેસમાં પૂર્વ વન મંત્રી અને કોંગ્રેસ નેતા હરક સિંહ રાવતને સમન્સ પાઠવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોંગ્રેસના નેતા હરક સિંહ રાવત અને તેમની વહુ અનુકૃતિને મની લોન્ડરિંગ કેસમાં સમન્સ પાઠવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કહ્યું કે હરક સિંહ રાવત અને તેમની વહુ અનુકૃતિને 29 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે 7 ફેબ્રુઆરીએ કેન્દ્રીય એજન્સીએ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં હરક સિંહ રાવત અને અન્ય લોકોના ઘર પર દરોડા પાડ્યા હતા.
ED એ પાડ્યા હતા દરોડા
ઇડીએ દરોડા દરમિયાન આશરે રૂ. 1.20 કરોડ અને વિદેશી ચલણ, સોનું અને મોટા પ્રમાણમાં દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જોકે, EDએ આ સંદર્ભમાં વધુ માહિતી આપી નથી. EDએ પૂર્વ ડીએફઓ કિશન ચંદ અને પૂર્વ ફોરેસ્ટ રેન્જ ઓફિસર બ્રિજ બિહારી શર્માના ઘર પર દરોડા પાડ્યા હતા.
કોણ છે હરકસિંહ રાવત ?
તમને જણાવી દઈએ કે હરક સિંહ રાવત પૂર્વ વન મંત્રી છે. 2022ની ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા તેઓ ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. EDએ જણાવ્યું હતું કે રાજ્યમાં નોંધાયેલી બે અલગ-અલગ એફઆઈઆરના આધારે કૌભાંડમાં સામેલ લોકો સામે તપાસ શરૂ કરવામાં આવી હતી.


