એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્લિકેશનના સંચાલનમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે મંગળવારે ઘણા રાજ્યોમાં દરોડા પાડ્યા છે. આ એપ્લિકેશન પર 2,000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પરિમેચ નામની એપ્લિકેશન સામેના કેસમાં મુંબઈ, દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, જયપુર, મદુરાઈ (તામિલનાડુ) અને સુરત (ગુજરાત) માં ઓછામાં ઓછા 15 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
PMLA) હેઠળ તપાસ શરૂ કરવામાં આવી
2024માં મુંબઈના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR બાદ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે છેતરપિંડી કરનારાઓ દ્વારા મ્યૂલ ખાતાઓમાં (ગેરકાયદેસર મની લોન્ડરિંગ માટે ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાતા) રકમ એકત્રિત કરવામાં આવી હતી અને ઘણી ચુકવણી એપ્લિકેશનો અને એજન્ટો દ્વારા અલગથી પ્રાપ્ત કરવામાં આવી હતી.
છેતરપિંડીની રકમ લગભગ 2,000 કરોડ રૂપિયા
સૂત્રોએ જણાવ્યું હતું કે છેતરપિંડી દ્વારા કરવામાં આવેલી રકમ લગભગ 2,000 કરોડ રૂપિયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ રકમનો અલગ અલગ રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર છેતરપિંડી કરનારાઓએ ક્રિપ્ટો વોલેટ્સ, તમિલનાડુના એક શહેરના સમાન વિસ્તારમાં સ્થિત ATM દ્વારા રોકડ ઉપાડ, ઓછી કિંમતના UPI ચુકવણી વગેરે દ્વારા પૈસા મોકલ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફેડરલ તપાસ એજન્સીએ અત્યાર સુધીના દરોડામાં કેટલાક દસ્તાવેજો, મોબાઈલ અને કમ્પ્યુટર સાધનો જપ્ત કર્યા છે.
15 લાખ રૂપિયા રોકડા, ચાર લક્ઝરી કાર જપ્ત
અગાઉ, EDના અમદાવાદ ઝોનલ ઓફિસે 7 અને 8 ઓગસ્ટના રોજ અમદાવાદ અને મુંબઈમાં મેઘ શાહ અને મહેન્દ્ર શાહ સાથે જોડાયેલા અનેક સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999 હેઠળ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. દરોડા દરમિયાન EDએ 15 લાખ રૂપિયા રોકડા, ચાર લક્ઝરી કાર – BMW X6M, Bentley Continental GT, BMW 730 LD અને BMW 328i જપ્ત કરી હતી. આ ઉપરાંત, રોલેક્સ અને કાર્ટિયર જેવી બ્રાન્ડ્સની 1.51 કરોડ રૂપિયાની મોંઘી આયાતી ઘડિયાળો પણ જપ્ત કરવામાં આવી હતી.