એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હી અને મુંબઈમાં દરોડા પાડ્યા છે. આ સમગ્ર કાર્યવાહી પીએમએલએ હેઠળ ચાલી રહેલી તપાસનો એક ભાગ છે. સંદીપા વિર્ક અને તેના સહયોગીઓ પર ખોટા વચનો અને બનાવટી સોદા દ્વારા લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. EDની તપાસ પંજાબના મોહાલીના ફેઝ-8 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR સાથે શરૂ થઈ હતી, જેમાં IPCની કલમ 406 અને 420 હેઠળ છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર પણ કોઈ ખાસ હાજરી નથી
તપાસમાં એક મોટો ખુલાસો થયો છે કે સંદીપા વિર્ક પોતાને hyboocare.com નામની વેબસાઈટની માલિક હોવાનો દાવો કરતી હતી, જે FDA માન્ય બ્યુટી પ્રોડક્ટ્સ વેચતી હતી, પરંતુ વાસ્તવમાં આ પ્રોડક્ટ્સ નકલી નીકળી. વેબસાઈટ પર ન તો રજિસ્ટ્રેશન યોગ્ય રીતે થઈ શકે છે, ન તો પેમેન્ટ ગેટવે કામ કરે છે. સોશિયલ મીડિયા પર પણ કોઈ ખાસ હાજરી નથી, વોટ્સએપ નંબર બંધ છે અને કંપનીનું સ્થાન પણ સ્પષ્ટ નથી.
સંદીપા વિર્કનું સેતુરામન સાથે હતું કનેકશન
આ ઉપરાંત EDને જાણવા મળ્યું કે સંદીપ વિર્ક રિલાયન્સ કેપિટલ લિમિટેડના ભૂતપૂર્વ ડિરેક્ટર અંગારાઈ નટરાજન સેથુરામન સાથે સંપર્કમાં હતા. તે બંને ગેરકાયદેસર ‘લીઝ’ કામ અંગે ચર્ચા કરતા હતા. સેથુરામનના ઘરની તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે તેમણે વ્યક્તિગત લાભ માટે ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે 2018માં રિલાયન્સ કોમર્શિયલ ફાઈનાન્સ લિમિટેડ તરફથી સેથુરામનને લગભગ 18 કરોડ રૂપિયા કોઈ યોગ્ય તપાસ વગર આપવામાં આવ્યા હતા. લોનની શરતો એટલી ઢીલી હતી કે વ્યાજ અને મૂળ રકમની ચુકવણી પર કોઈ પ્રતિબંધ નહોતો. આ ઉપરાંત તેમણે રિલાયન્સ કેપિટલ લિમિટેડ પાસેથી 22 કરોડ રૂપિયાની હોમ લોન પણ લીધી હતી, જે નિયમોની વિરુદ્ધ હતી.
સંદીપા 14 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં રહેશે
આ પૈસાનો મોટો ભાગ ખોટી રીતે ખર્ચવામાં આવ્યો હતો અને હજુ પણ બાકી છે. દરોડા દરમિયાન ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો, રેકોર્ડ અને સાક્ષીઓના નિવેદનો મળી આવ્યા હતા. EDએ 12 ઓગસ્ટના રોજ સંદીપ વિર્કની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી હતી, જ્યાંથી તેને 14 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દેવામાં આવી હતી. તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે.