- ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્યને ત્યાં EDના દરોડા
- રવિન્દ્ર વાયકર અને તેના ભાગીદારો સાથે જોડાયેલા સ્થળો એ દરોડા
- જમીનના ઉપયોગમાં છેડછાડ કરી હોટલ બનાવવાનો કેસ
મની લોન્ડરીંગ મામલે એક પછી એક નેતાઓ પર ઇડી સકંજો કસી રહી છે. ત્યારે હવે ઉદ્ધવ જૂથના નેતા અને ધારાસભ્ય રવિન્દ્ર વાયકર અને તેના ભાગીદારો સાથે જોડાયેલા 7 સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. જોગેશ્વરીમાં જમીનના ઉપયોગની શરતોમાં કથિત રીતે છેડછાડ કરીને હોટલ બનાવવાના કેસના સંદર્ભમાં આ દરોડો પાડવામાં આવી રહ્યા છે.
કયા કેસ હેઠળ પાડ્યા દરોડા ?
મહત્વનું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બૃહ્નમુંબઇ સાથેના કરારનું ઉલ્લંઘન કરીને જોગેશ્વરીમાં લક્ઝરી હોટલના નિર્માણના સંબંધમાં રવિન્દ્ર વાયકર, તેમની પત્ની અને અન્યો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ નોંધ્યો હતો. વાયકર અને અન્ય પાંચ સામે મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) દ્વારા કેસ નોંધવામાં આવ્યો હતો. EDનો મની લોન્ડરિંગ કેસ EOW ની FIR પર આધારિત હતો.
શું છે મામલો ?
EDના એક સ્ત્રોતે પુષ્ટિ કરી હતી કે લગભગ એક અઠવાડિયા પહેલા, વાયકર અને અન્ય કેટલાક લોકો સામે એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ (ECIR) દાખલ કરવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં જ શંકાસ્પદોને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, વાયકર અને અન્ય આરોપીઓ વિરુદ્ધ EOW દ્વારા વિશ્વાસનો ભંગ, છેતરપિંડી અને ગુનાહિત કાવતરું રચવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
શું છે આરોપ?
વાયકર પર BMC રમતના મેદાન માટે આરક્ષિત પ્લોટ પર 5 સ્ટાર હોટલ બનાવવાની પરવાનગી મેળવીને BMCને રૂ. 500 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. વાયકર મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય છે, જોગેશ્વરી પૂર્વ વિધાનસભા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. વાયકર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી પણ છે.


