- IAS ઓફિસર સુબોધ અગ્રવાલના ઘર, ઓફિસે પણ કાર્યવાહી
- અન્ય કેટલાક લોકો સામે પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી
- ઇડીએ આ મામલે સપ્ટેમ્બરમાં પણ દરોડા પાડયા હતા
રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગુ થયા બાદથી ઇડીની તાબડતોબ કાર્યવાહી જારી છે. શુક્રવારે ઇડીએ કથિત જલ જીવન મિશન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કાર્યવાહી કરતા રાજ્ય સરકારના પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના મંત્રી મહેશ જોશીની ઓફિસ તથા આઇએએસ ઓફિસર સુબોધ અગ્રવાલના ઘર, ઓફિસ સહિત પાટનગર જયપુર અને દૌસામાં સવારે સાત વાગ્યાથી દરોડા પાડયા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર રાજસ્થાનના પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના એડિશનલ ચીફ સેક્રેટરી IAS સુબોધ અગ્રવાલના પરિસરો, મંત્રી મહેશ જોશીના ઓએસડી સંજય અગ્રવાલના ઘર, ચીફ એન્જીનિયર (સ્પેશિયલ પ્રોજેક્ટ) દિનેશ ગોયલના ઘર, ઓફિસ અને ચીફ એન્જિનિયર (અર્બન) કે. ડી. ગુપ્તાના ઘર, ઓફિસ સહિત જયપુર, દૌસામાં કુલ 25 સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. આ મામલા સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોકો સામે પણ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરાઇ રહી છે. ઇડીએ આ મામલે સપ્ટેમ્બરમાં પણ દરોડા પાડયા હતા. ભાજપના રાજ્યસભા સાંસદ કિરોડીલાલ મીણાએ આ વર્ષે જૂનમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને જલ જીવન મિશનમાં 20 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયાનો આક્ષેપ કર્યો હતો.