- ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા
- હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું
- એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ
સુરત શહેરના અલગ અલગ 7 સ્થળો પર EDના દરોડા પડ્યા છે. જેમાં ઓજસ્વી ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એક કરોડથી વધુની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. હવાલાથી વિદેશમાં નાણાં મોકલવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અગાઉ અમદાવાદમાં પણ ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં EDની ટીમે દરોડા પાડ્યા હતા
એચ.વી અને પીએમ અંગળીયા પેઢીમાં પણ તપાસ કરાઈ છે. અગાઉ અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ કેસમાં EDની ટીમે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં EDની ટીમે ટીપી ગ્લોબલ એફએક્સની ઓફિસમાં તપાસ હાથ ધરી હતી. ગેરકાયદેસર વિદેશી ચલણના વેપાર મુદ્દે કાર્યવાહીનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આ તપાસ દરમિયાન અમદાવાદમાં 1.36 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત 1.2 કિલો સોનુ અને 2 કાર પણ કબ્જે લેવામાં આવી હતી. આ સિવાય બેન્ક એકાઉન્ટમાં રાખવામાં આવેલા 14.74 લાખ રૂપિયા પણ ફ્રિઝ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 242.39 કરોડની મિલકતનો કબ્જો લેવામાં આવ્યો છે.
જાણો EDની કામગીરી વિશે:
આપણે વારંવાર સમાચારમાં જોઇએ છીએ કે EDના દરોડા પર પડ્યા છે. પરંતુ તેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ED એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એક આર્થિક ગુપ્તચર એજન્સી છે, જે ભારતમાં આર્થિક કાયદાઓ લાગુ કરવા અને આર્થિક ગુના સામે લડવા માટે જવાબદાર છે. તે ભારત સરકારના નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગનો એક ભાગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મની લોન્ડરિંગ, વિદેશી વિનિમય ઉલ્લંઘન અને આર્થિક અપરાધોને લગતા કેસોની તપાસ અને કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનો પ્રાથમિક ઉદ્દેશ્ય કાળા નાણાના નિર્માણ અને પરિભ્રમણને અંકુશમાં લેવાનો અને વિદેશી વિનિમય અને મની લોન્ડરિંગને અટકાવવા સંબંધિત કાયદાઓનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.


