- દિલ્હી લિકર પોલિસી કેસમાં EDએ મોકલ્યું હતું સમન્સ
- પાંચ વખત સમન્સ મોકલવા છતાં કેજરીવાલ હાજર ન થયા
- કેજરીવાલ અને AAP સમન્સને ગણાવી રહ્યા છેઃ ગેરકાયદેસર
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં સમન્સ ઇસ્યુ કર્યા પછી પણ હાજર ન થવા બદલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) રાઉઝ એવન્યુ કોર્ટમાં પહોંચ્યું છે. હવે EDની ફરિયાદ પર કોર્ટમાં 7 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
મળતી માહિતી પ્રમાણે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાઉઝ એવન્યુ કોર્ટનો સંપર્ક કર્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ ફરિયાદ દિલ્હી દારૂ કૌભાંડના મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત છે. જેમાં સીએમ કેજરીવાલને સમન્સ જારી કર્યા બાદ પણ તેઓ તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. આજે કોર્ટમાં ફરિયાદ આપવામાં આવી હતી અને હવે આ મામલે 7 ફેબ્રુઆરીએ સુનાવણી થશે.
ED સમક્ષ હાજર ન થયા કેજરીવાલ
જાણકારી માટે જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા ન હતા. EDએ શુક્રવારે હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું. જોકે આમ આદમી પાર્ટી સમન્સને ગેરકાયદેસર ગણાવ્યું છે.
સમન્સ પર AAP પાર્ટીનું નિવેદન
આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કાયદેસર રીતે યોગ્ય સમન્સ પર અમલ કરવામાં આવશે. આપે વડાપ્રધાન પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય કેજરીવાલની ધરપકડ કરાવવાનો છે. તેઓ દિલ્હીની AAP સરકારને તોડી પાડવા માંગે છે. EDએ બે દિવસ પહેલા કેજરીવાલને કથિત દારૂ કૌભાંડમાં તેમની સમક્ષ હાજર થવા માટે પાંચમી વખત સમન્સ જાહેર કર્યું હતું. કેજરીવાલે EDના ચારેય સમન્સને ગેરકાયદેસર અને અમાન્ય ગણાવ્યા હતા. આ વખતે તેમના બદલે પક્ષે સમન્સ પર સવાલો ઉઠાવ્યા હતા.


