- IAS સુબોધ અગ્રવાલ સહિત અનેક અધિકારીઓના જુદા જુદા 6 સ્થળોએ દરોડા
- ED સુબોધ અગ્રવાલ અને અન્ય અધિકારીઓને પૂછપરછ માટે દિલ્હી બોલાવશે
- જલ જીવન મિશન અંતર્ગત પાઈલાઇન નાખવામાં આચરાયો કરોડોનું કૌભાંડ
રાજસ્થાનમાં જલ જીવન મિશન કૌભાંડને લઈને EDની ટીમની દરોડાની કાર્યવાહી મોડી રાત્રે પૂરી થઈ. EDએ શનિવારે જયપુર અને દૌસામાં દરોડા પાડ્યા હતા. આ દરોડા પાણી પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ IAS સુબોધ અગ્રવાલ સહિત ઘણા અધિકારીઓના નિવાસસ્થાન અને કાર્યાલય સહિત 6 થી વધુ સ્થળોએ પાડવામાં આવ્યા હતા.
IAS અધિકારીઓને ED આપશે દિલ્હીનું તેડું
આ દરમિયાન, EDની ટીમે 48 લાખ રૂપિયાની બિનહિસાબી રોકડ, 1.73 કરોડ રૂપિયાનું બેંક બેલેન્સ સહિત રૂપિયા 2.21 કરોડ, સંપત્તિના દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને ગુનાહિત દસ્તાવેજો જપ્ત કર્યા છે. જલ જીવન મિશન કૌભાંડમાં અત્યાર સુધીમાં રૂ. 11.03 કરોડ, સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ EDની ટીમ ટૂંક સમયમાં સુબોધ અગ્રવાલ અને અન્ય અધિકારીઓને પૂછપરછ માટે દિલ્હી બોલાવી શકે છે.
18 કલાક ચાલી EDની કાર્યવાહી
EDની ટીમે શુક્રવારે સવારે 6 વાગે શંકાસ્પદોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ, શરૂ થયેલી કાર્યવાહી રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહી હતી. 18 કલાકના આ ઓપરેશન દરમિયાન જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ સાધનોને ટીમ પોતાની સાથે દિલ્હી લઈ ગઈ છે. જ્યાં તેમની તપાસ કરવામાં આવશે.
શું છે સમગ્ર મામલો?
જલ જીવન મિશન અંતર્ગત તમામ ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પૂરું પાડવાની વ્યવસ્થા હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ તેના પર 50-50 ટકા ખર્ચ કરવાનો હતો. યોજના હેઠળ પાણી માટે ડીઆઈ ડક્ટર આયરન પાઈપલાઈન નાખવાની હતી, પરંતુ એચડીપીઈ પાઈપલાઈન નાખવામાં આવી હતી. જૂની પાઇપલાઇનને નવી તરીકે પાસ કરીને ચુકવણી કરવામાં આવી હતી. તેમજ ઘણી જગ્યાએ પાઈપલાઈન જ ન નાખવામાં આવી. આવા જ બીજા ઘણા કામો પણ બતાવી કાગળ પર પૈસા લેવામાં આવ્યા હતા.