- લિકર સ્કેમમાં દિલ્હી સરકારની વધી મુશ્કેલીઓ
- સીએમ કેજરીવાલને મળ્યું સતત ત્રીજું સમન્સ
- કેજરીવાલ વિપશ્યના મેડિટેશન કરવા પંજાબ પહોંચ્યા
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હી સરકારની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. હવે આ મામલે તપાસના તાર સીએમ કેજરીવાલ સુધી પહોંચ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેમને વધુ એક સમન્સ પાઠવ્યું છે, આ પહેલા, કેજરીવાલને બે સમન્સ મોકલવામાં આવ્યા છે પરંતુ, કેજરીવાલ એક પણ વખત ED સમક્ષ હાજર થયા નથી. હવે EDએ સીએમ કેજરીવાલને ત્રીજું સમન્સ પાઠવ્યું છે અને તેમને 3 જાન્યુઆરીએ હાજર થવા જણાવ્યું છે.
સીએમ કેજરીવાલ પંજાબમાં કરી રહ્યા છે વિપશ્યના મેડિટેશન
ઉલ્લેખનીય છે કે, સીએમ કેજરીવાલ વિપશ્યના મેડિટેશન માટે પંજાબના હોશિયારપુર ગયા છે અને અહીં 10 દિવસ ધ્યાન માટે રોકાવાના છે. અગાઉ કેજરીવાલને 21મી ડિસેમ્બરે ED એ હાજર થવા માટે સમન્સ મોકલ્યું હતું.
મેડિટેશન કરવા ગયા હોવાને લીધે ન રહ્યા હાજર
મળતી માહિતી મુજબ, દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગયા બુધવારે વિપશ્યના માટે ગયા હતા. તેઓ હોશિયારપુરના મહિલાવલી ગામમાં સ્થિત ધમ્મ ધ્વજ વિપશ્યના સાધના કેન્દ્રમાં 10 દિવસ સુધી મેડિટેશન કરશે. દિલ્હીના સીએમ 30 ડિસેમ્બર સુધી પહેલાથી જ નિર્ધારિત વિપશ્યના કાર્યક્રમમાં હાજર રહેશે. આ કારણોસર તેઓ 21 ડિસેમ્બરે ED સમક્ષ હાજર થાય ન હતા. કથિત લિકર પોલિસી કૌભાંડ કેસમાં EDએ તેમને 21 ડિસેમ્બરે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા.
21 ડિસેમ્બરે ED સમક્ષ હાજર ન થયા સીએમ
આ સતત બીજી વખત એવું બન્યું છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDના સમન્સ પર પૂછપરછ માટે હાજર રહ્યા ન હતા. આ વર્ષે 16 એપ્રિલે EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. કેન્દ્રીય એજન્સીએ તેમને 2 નવેમ્બરે પૂછપરછ માટે સમન્સ આપ્યું હતું, પરંતુ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વ્યસ્ત હોવાને કારણે તેઓ ED સમક્ષ હાજર થયા ન હતા. ત્યારબાદ, 18 ડિસેમ્બરે EDએ તેમને ફરીથી સમન્સ પાઠવ્યું હતું અને તેમને 21 ડિસેમ્બરે હાજર થવા જણાવ્યું હતું, પરંતુ સીએમ કેજરીવાલ ફરી એકવાર ED સમક્ષ હાજર થયા ન હતા.


