- દિલ્હી લીકર પોલીસી સ્કેમનો મામલો
- EDએ ફરીથી અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યું
- 21 ડિસેમ્બરે હાજર રહેવા ઇડીનું ફરમાન
દિલ્હી લીકર સ્કેમ પોલીસીને લઇને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ ફરી સમન્સ પાઠવ્યું છે. ઇડીએ દિલ્હીના સીએમ કેજરીવાલને 21 ડિસેમ્બરે હાજર થવા કહ્યું છે. EDએ અગાઉ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ નોટિસ પાઠવી હતી. પરંતુ કેજરીવાલ તપાસ એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.
2 નવેમ્બરે પણ મોકલી હતી નોટિસ
EDએ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહ્યું છે. અગાઉ 2 નવેમ્બરે EDએ અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી હતી. પરંતુ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓએ આ નોટિસને ગેરકાયદે ગણાવીને પાછી ખેંચવાની માગણી કરી હતી. કેજરીવાલને સમન્સ મોકલવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ આશંકા વ્યક્ત કરી રહ્યા હતા કે અરવિંદ કેજરીવાલની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
મનીષ સિસોદિયા-સંજયસિંહ છે જેલમાં
આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ દારૂ કૌભાંડ કેસમાં જેલના સળિયા પાછળ છે. આ નેતાઓમાં દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા તેમજ પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ પણ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ બંને નેતાઓને કોર્ટમાંથી પણ રાહત મળી શકી નથી. આ કેસમાં અત્યાર સુધીમાં 22થી વધુની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 3 આરોપીઓ સરકારી સાક્ષી બન્યા છે.
દિલ્હી લીકર પોલીસી સ્કેમનો 2022માં પર્દાફાશ
ગયા વર્ષે એટલે કે જુલાઈ 2022માં દિલ્હીમાં દારૂના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દિલ્હીની નવી આબકારી નીતિમાં આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમારે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને પોતાનો તપાસ અહેવાલ સુપરત કર્યો. મુખ્ય સચિવના રિપોર્ટ બાદ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. તપાસ શરૂ થતાની સાથે જ કૌભાંડના પર્દાફાશ થવા લાગ્યા હતા.


