એકબાજુ ક્યારેય ભુસાઇ નહીં તેવો ટીઆરપી હત્યાકાંડનો ડાઘ, હવે મનપાની ચૂંટણી પહેલા આવુ સંવેદનશીલ ડિમોલિશન થાય તો શાસક ભાજપને ડેમેજ થાય તેવી ચિંતા
રાજકોટ મહાનગરપાલિકાના શાસકો ઉપર ઉપર પુરેપુરી રીતે સંકટના વાદળો ઘેરાયા છે. ટીઆરપી હત્યાકાંડનો લાગેલો ડાઘ લાંબા સમય સુધી ભુંસાય તેમ નથી. એવામા હવે ધાર્મિક દબાણોના ડિમોલિશનની ભીંસ આવી છે. રાજકોટમાં ૨૧૦૮ જેટલા ધાર્મિક દબાણોની યાદી બની છે. જો આ દબાણોનું ડિમોલશન થાય તો શહેરમાં મોટાપાયે ઉહાપોહ મચે તેમ છે. અને આ ઉહાપોહ મનપાની આગામી ચૂંટણીમાં શાસક ભાજપની વોટબેંક ઉપર પણ બુલડોઝર ફેરવી દે તેવી પુરેપુરી શક્યતા દેખાઇ રહી છે. બીજીબાજુ સુપ્રિમ કોર્ટના નિર્દેશથી રાજ્યના મુખ્ય સચિવનો આદેશ છે કે, ધાર્મિક દબાણોનું ડિમોલિશન કરવુ. હાલ તો મનપાની ટીપી શાખાએ ધાર્મિક દબાણો પર ડિમોલિશન કરવાની કાર્યવાહી અંગેની નોટિસ ચીપકાવવાનું શરૂ કરી દીધુ છે પરંતુ સંભવિત સંવેદનશીલ ડિમોલિશનના બુલડોઝરને રાજકીય બ્રેક લગાવવા શાસક પક્ષ એડીચોટીનો પ્રયાસ કરશે જ એ નક્કી છે. જોવાનું એ રહ્યુ કે, સુપ્રિમ કોર્ટનું નિર્દેશન હોય શાસકોની કારી ફાવશે કે નહીં? જો આટલા મોટા પાયે ધાર્મિક દબાણોનું ડિમોલિશન થશે તો રાજકીયના ઇતિહાસમાં આ સૌથી મોટુ ડિમોલિશન હશે. અને જો થશે તો શહેરમાં અકલ્પનીય સ્થિતિ વણસે તેવા એંધાણ પણ અત્યારથી દેખાઇ રહ્યા છે.
અમુક ધાર્મિક દબાણો તો રોડની મધ્યમાં છે
સુપ્રિમ કોર્ટના નિર્દેશનું પાલન કરવુ મનપા માટે મોટો પડકાર
શહેરમાં એવા અસંખ્ય ધાર્મિક દબાણ છે કે જે રોડની બરોબર વચ્ચે જ છે. તો અમુક દબાણો સરકારી રિઝર્વેશન પ્લોટમાં છે. આવા દબાણો દૂર કરવા મનપાએ ભુતકાળમાં અનેકવખત પ્રયાસો કર્યા છે પરંતુ ધાર્મિક લાગણી દૂ:ભાવાનો પ્રશ્ન અને સ્થિતિ વણસે તેવા સંજોગો સર્જાતા તંત્રએ ડિમોલિશન પડતા મુક્યા હતા. હવે જોવાનું એ રહ્યુ કે, સુપ્રિમ કોર્ટના નિર્દેશનું પાલન કરવુ મનપા માટે મોટો પડકાર બની રહેવાનો છે.
છોટુનગરમાં મનપાના નાક નીચે નવુ ધાર્મિક દબાણ ખડકાયુ
આંગણવાડી અને મનપાના બગીચાને લાગુ જમીન પર જ દબાણ ખડકાયુ
રોડ અને સરકારી જમીન પર જૂના ધાર્મિક દબાણોના તોળાતા ડિમોલિશન વચ્ચે મનપા માટે પડકારરૂપ છોટુનગર ભંગાર બજાર પાસે આવેલી મનપાની આંગણવાડી અને બગીચો(બાલક્રિડાંગણ) પાસે જ તાજેતરમાં જ એક નવુ ધાર્મિક દબાણ ખડકાઇ ગયુ છે.
શહેરના રૈયા રોડ પર હનુમાન મઢીથી એરપોર્ટ તરફ છોટુનગર ઝૂપડપટ્ટી પાસેની ભંગાર બજાર હટાવવામા મનપા તંત્ર નમાલુ સાબિત થયુ જ છે. પણ બીજા દબાણો પણ મનપાના નાક નીચે જ ખડકાઇ રહ્યા છે. ભંગાર બજારમાંથી મનપા અને પોલીસ તંત્રને મસમોટો હપ્તો મળતો હોવાની ચર્ચા છે. રંગઉપવન અને આસપાસની રહેણાંક સોસાયટીઓનો ઉહાપોહ થાય એટલે દેખાડો કરવા પુરતી દબાણ હટાવની કામગીરી થાય છે. પરંતુ બે-ચાર દિવસમાં ફરી ભંગારિયાઓ રોડ પર આવી જાય છે મનપાની જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તાબોટા પાડતો અહીંથી પસાર થઇ જાય છે. તંત્રની આ નાદારી વચ્ચે છોટુનગરમાં જ રંગ ઉપવન સોસાયટી બાજુ આવેલી આંગણવાડી અને મનપાના બગીચા(બાલ ક્રિડાંગણને) અડીને જ એક નવુ ધાર્મિક દબાણ તાજેતરમાં જ ખડકાઇ ગયુ છે. હવે જોવાનું એ રહ્યુ કે, આ દબાણ સામે મનપા પગલાં લેવા હિંમત કરે છે કે પછી સુપ્રિમ કોર્ટના નિર્દેશ અને રાજ્યના મુખ્ય સચિવના આદેશને ઘોળીને પી જશે?