સામાકાંઠે ૧૦૨૦, મધ્યમાં ૬3૨, ન્યૂ રાજકોટમાં ૬3૨ ધાર્મિક દબાણને અંતે લાગી રાજકીય બ્રેક
સુપ્રિમ કોર્ટના નિર્દેશથી અને રાજ્યના મુખ્ય સચિવના આદેશના પગલે રાજકોટમાં ટીપીના રોડ, રિઝર્વેશન પ્લોટ અને સરકારી અન્ય જગ્યા પર થયેલા નાની-મોટી ડેરીથી માંડી મોટા ધાર્મિક દબાણોના ડિમોલિશન માટે મનપાએ કરેલી કામગીરીને અપેક્ષિત રાજકીય બ્રેક લાગી ગઇ છે. શહેરમાં આવા કુલ ૨૧૦૮ દબાણો હોવાનો સર્વે પણ હાલ પુરતો અભેરાઇએ ચડાવી દેવામા આવ્યો છે. ચોમાસુ છે એટલે ડિમોલિશન નહીં થાય તેવુ સતાવાર કારણ અપાયુ છે પણ હકિકત એ છે કે, ટીઆરપી કાંડ પછી પુરેપુરી રીતે ભીંસમાં આવેલા શાસક ભાજપે ધાર્મિક દબાણોના ડિમોલિશનને લઇને ન ઉહાપોહ થાય અને પાર્ટી વધુ ભીંસમાં ન આવી જાય એ માટે બ્રેક લગાવી દીધી છે. ધાર્મિક દબાણોના ઝોન વાઇઝ થયેલા સર્વેના જાહેર થયેલા આંકડા મુજબ ઇસ્ટ ઝોન(સામાકાંઠે) ૧૦૨૦, વેસ્ટ ઝોન(ન્યૂ રાજકોટ)માં ૪૫૬ અને સેન્ટ્રલ ઝોન(મધ્ય રાજકોટ)માં ૬3૨ ધાર્મિક દબાણ છે.
રાજકોટમાં ટીઆ મહાનગરપાલિકાના શાસકો ઉપર ઉપર પુરેપુરી રીતે સંકટના વાદળો ઘેરાયા છે. ટીઆરપી હત્યાકાંડનો લાગેલો ડાઘ લાંબા સમય સુધી ભુંસાય તેમ નથી. એવામા હવે ધાર્મિક દબાણોના ડિમોલિશનની ભીંસ આવી છે. રાજકોટમાં ૨૧૦૮ જેટલા ધાર્મિક દબાણોની યાદી બની છે. જો આ દબાણોનું ડિમોલશન થાય તો શહેરમાં મોટાપાયે ઉહાપોહ મચે તેમ છે. અને આ ઉહાપોહ મનપાની આગામી ચૂંટણીમાં શાસક ભાજપની વોટબેંક ઉપર પણ બુલડોઝર ફેરવી દે તેવી પુરેપુરી શક્યતા દેખાઇ રહી છે. બીજીબાજુ સુપ્રિમ કોર્ટના નિર્દેશથી રાજ્યના મુખ્ય સચિવનો આદેશ છે કે, ધાર્મિક દબાણોનું ડિમોલિશન કરવુ. હાલ તો મનપાની ટીપી શાખાએ ધાર્મિક દબાણો પર ડિમોલિશન કરવાની કાર્યવાહી અંગેની નોટિસ ચીપકાવવાનું શરૂ કરી દીધુ છે પરંતુ સંભવિત સંવેદનશીલ ડિમોલિશનના બુલડોઝરને રાજકીય બ્રેક લાગી ગઇ છે.
અમુક ધાર્મિક દબાણો તો રોડની વચ્ચોવચ્ચ છે, રોડ પર ખુલ્લો નહીં થઇ શકે
શહેરમાં એવા અસંખ્યા ધાર્મિક દબાણ છે કે જે રોડની બરોબર વચ્ચે જ છે. તો અમુક દબાણો સરકારી રિઝર્વેશન પ્લોટમાં છે. આવા દબાણો દૂર કરવા મનપાએ ભુતકાળમાં અનેકવખત પ્રયાસો કર્યા છે પરંતુ ધાર્મિક લાગણી દૂ:ભાવાનો પ્રશ્ન અને સ્થિતિ વણસે તેવા સંજોગો સર્જાતા તંત્રએ ડિમોલિશન પડતા મુક્યા હતા. હવે જોવાનું એ રહ્યુ કે, સુપ્રિમ કોર્ટના નિર્દેશનું પાલન કરવુ મનપા માટે મોટો પડકાર બની રહેવાનો છે.