મુંબઈ : ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન, પોલિકેબ ઇન્ડિયા, મેક્રોટેક ડેવલપર્સ (લોઢા) સહિત આઠ શેરો મિડકેપમાંથી લાર્જકેપ તરફ આગળ વધી રહ્યા છે. દરમિયાન, આવતા મહિને અર્ધવાર્ષિક રિબેલેન્સિંગ કવાયત દરમિયાન ૧૩ શેરો સ્મોલકેપમાંથી મિડકેપમાં જશે.
૧ જુલાઈથી ૩૧ ઓક્ટોબરની વચ્ચે સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે વિવિધ માર્કેટ કેપ સેગમેન્ટમાં ઘણા શેરોનો સમાવેશ થવાની શક્યતા છે. જો કે, સમીક્ષાનો લગભગ એક તૃતીયાંશ સમયગાળો હજુ પૂરો થવાનો બાકી છે. તેથી, શેરના ભાવ વધી રહ્યા હોવાથી સૂચિમાં ફેરફાર થશે.
શ્રીરામ ફાઇનાન્સ, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન અને પાવર ફાઇનાન્સ જેવા સ્ટોક્સ લાર્જકેપમાં જોડાવાના પ્રબળ દાવેદાર છે.
દરમિયાન, લાર્જકેપમાંથી મિડકેપ તરફ જવાની સંભાવના ધરાવતા શેરોમાં યુપીએલ, અદાણી વિલ્મર, આઈઆરટીસી, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, બોશ, ટયુબ ઇન્વેસ્ટમેન્ટ્સ, હીરો મોટોકોર્પ અને સંવર્ધન મધરસનના નામનો ઉલ્લેખ કરી શકાય છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી) દર છ મહિને શેરોનું વર્ગીકરણ કરે છે. તે કેલેન્ડર વર્ષના પ્રથમ છ મહિનામાં તેની સરેરાશ બજાર મૂડી પર આધારિત છે.
સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ટોચના ૧૦૦ શેરો લાર્જ કેપમાં સામેલ થવાને પાત્ર છે. આની નીચે, ૧૫૦ કંપનીઓ મિડકેપ અને બાકીની સ્મોલકેપ માટે પાત્ર છે.
આ ફેરફારો શેરોના પોર્ટફોલિયોને અસર કરે છે જેમની આશરે રૂ. ૧૧ લાખ કરોડની અસ્કયામતો મેનેજમેન્ટ હેઠળ છે.
નવી લિસ્ટેડ કંપનીઓ જીઓ ફાઈ. અને જેએસડબલ્યુ ઈન્ફ્રા અનુક્રમે લાર્જકેપ અને મિડકેપમાં સીધી રીતે સામેલ થશે. એચડીએફસી બેંક અને એચડીએફસીના મર્જર પછી, હાલમાં ૯૯ શેરોને લાર્જ કેપ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.