અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને ઉત્પત્તિ એકાદશીનું માહાત્મ્ય તથા વ્રત-વિધિ વિશે પૂછ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું, `હે અર્જુન! ભાવિક વૈષ્ણવો જો આ એકાદશી વ્રતનું એકાગ્રતાપૂર્વક શ્રવણ કરે તો તેઓ આ લોકમાં અનેક સુખવૈભવ ભોગવીને અંત સમયે સ્વર્ગલોકને પામે છે.
આ દિવસે પ્રાતઃકાળે ઊઠીને શૌચવિધિથી પરવારી જળાશયે જઈ સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા પહેલાં શરીર પર `મૃત્તિકા મંત્ર’નો ઉચ્ચાર કરી માટી ચોળવી જોઈએ. આ મંત્ર આ પ્રમાણે છે –
અશ્વકાન્તે રથકાન્તે વિષ્ણુકાન્તે વસુંધરે ।
ઉધતાષિ વરાહેણ કૃષ્ણે સતબાહુન,
મૃત્તિકે હર મે પાપ મન્મયા પૂર્વસંચિતમ્ ।।
વ્રતધારીએ સ્નાન કર્યા પછી દુરાચારી વ્યક્તિ સાથે વાતચીત કરવી નહીં. જાણ્યેઅજાણ્યે તેની સાથે વાર્તાલાપ થઈ જાય, તો સૂર્યનારાયણનાં દર્શન કરી લેવાં. સ્નાનથી પરવારી સુગંધિત ધૂપ, ઘીનો દીવો અને નૈવેદ્ય ધરાવી અર્ચન-પૂજન કરવું. આ દિવસે નિદ્રા અને સમાગમનો રાત્રિ દરમિયાન ત્યાગ કરવો. ભજન-કીર્તન અને સત્સંગ વગેરે શુભ કાર્યોમાં રાત પસાર કરવી. વૈષ્ણવો માટે બંને એકાદશીઓ સુદ અને વદની સમાન હોઈ કોઈ પ્રકારનો ભેદ ન માનવો.
ઉત્પત્તિ એકાદશીનું વ્રત કરવાથી શંખોદ્વાર તીર્થમાં સ્નાન અને દર્શન કરવાથી જે પુણ્યપ્રાપ્તિ થાય છે તેનાથી સોળ ગણુ વધારે પુણ્ય મળે છે. દાન-દક્ષિણા આપવાથી કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી જે પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેનાથી સોળ ગણુ પુણ્ય વ્રતીને મળે છે.
અન્નદાન જેવું અન્ય કોઈ પુણ્ય નથી. અન્નદાન કરવાથી સ્વર્ગમાં પિતૃઓને એક પ્રકારની તૃપ્તિ મળે છે. `જો આપીએ ટુકડો તો ભગવાન આવે ઢુંકડો’ આમ, અન્નદાનનો મહિમા અવર્ણનીય છે.
એકટાણું કરનારને નિર્જળા વ્રત કરતાં અર્ધું પુણ્ય મળે છે. આ વ્રત કરનારને દાન, તપ, યજ્ઞ વગેરેનું ફળ પ્રાપ્ત થાય છે. વ્રતીએ અન્નને વર્જ્ય ગણવું. આ એકાદશીનું ફળ સહસ્ત્ર યજ્ઞો કરતાં પણ વધારે છે.
હે અર્જુન! એકાદશીની ઉત્પત્તિ કથા તો મેં તને કહી સંભળાવી છે. આ વ્રતનું ફળ અન્ય તીર્થોનાં ફળથી પણ વધારે છે. સર્વ વ્રતોનાં ફળ કરતાં ઉત્પત્તિ એકાદશીનું ફળ સર્વશ્રેષ્ઠ છે. જે મનુષ્ય આ વ્રત કરે છે તેમના શત્રુઓનો હું સંહાર કરું છું અને એ પ્રકારે પણ હું તેમનો ઉદ્ધાર કરું છું. આ એકાદશી માહાત્મ્યનું જે વાચન કે શ્રવણ કરે છે તેને અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે, તેનાં પાપો નષ્ટ થાય છે. ઉત્પત્તિ એકાદશીના વ્રત જેવું અન્ય કોઈ અનુપમ વ્રત નથી. ઉત્પત્તિ એટલે ઉત્પન્ન થવું કે નિર્માણ થવું તે. કહેવાનું તાત્પર્ય એ છે કે આજે વિષ્ણુ ભગવાને દાનવોનો નાશ કરવા અને દેવો તથા ભાવિક ભક્તોનું ભલું કરવા એક `સ્ત્રી શક્તિ’ની ઉત્પત્તિ કરી અને તેનું `એકાદશી’ નામકરણ રાખ્યું હતું. આ દિવ્ય શક્તિએ સૌનું રક્ષણ કર્યું હતું.’
ઉત્પત્તિ એકાદશીની પૌરાણિક કથા
ભગવાન યુધિષ્ઠિરને ઉત્પત્તિ એકાદશીના ફળ વિશે જણાવે છે. તેમાં તેઓ કહે છે કે હજારો યજ્ઞો કરવાથી મળે તેનાથી પણ વધારે ફળ આ એકાદશી કરવાથી મળે છે. યુધિષ્ઠિર કહે છે કે, હે ભગવાન! તમે હજારો યજ્ઞ અને લાખો ગૌદાનથી પણ વધારે ફળ એકાદશી વ્રતનું જણાવ્યું, પણ આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ કેવી રીતે છે?
ભગવાન કહે છે, હે યુધિષ્ઠિર! સતયુગમાં મુર નામનો દૈત્ય ઉત્પન્ન થયો. તે ખૂબ જ બળવાન અને ભયાનક હતો. તે દૈત્યે ઇન્દ્ર, આદિત્ય, વસુ, વાયુ, અગ્નિ વગેરે દેવતાઓને પરાજિત કર્યા હતા. તેથી ઇન્દ્ર સહિત બધા જ દેવતાઓ ભયભીત થઈને ભગવાન શિવ પાસે જઈને બધું જ વૃત્તાંત કહે છે, હે કૈલાસપતિ! મુર દૈત્યથી ભયભીત થઈને બધા જ દેવતા સ્વર્ગ છોડીને મૃત્યુલોકમાં ફરી રહ્યા છે.
ત્યારે ભગવાન શિવે કહ્યું, હે દેવતાઓ! ત્રણે લોકોના સ્વામી અને ભક્તોનાં દુઃખોનો નાશ કરનારા ભગવાન વિષ્ણુના શરણમાં જાઓ. તેઓ જ તમારાં દુઃખોને દૂર કરી શકે છે. શિવજીની વાત સાંભળીને બધા જ દેવતાઓ ક્ષીરસાગરમાં ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ત્યાં ભગવાનને શયન કરતા જોઈને બધા હાથ જોડીને તેમની સ્તુતિ કરવા લાગ્યા કે હે પ્રભુ! તમને વારંવાર નમસ્કાર છે, દેવતાઓની રક્ષા કરનારા મધુસૂદન! આપને નમસ્કાર છે. તમે અમારી રક્ષા કરો. દૈત્યથી ભયભીત થઈને અમે બધા તમારા શરણમાં આવ્યા છીએ. તમે જ આ સંસારના કર્તા, માતા-પિતા, ઉત્પત્તિ અને પાલનકર્તા તથા સંહાર કરનારા છો. બધાને શાંતિ પ્રદાન કરનારા આપ છો. આકાશ અને પાતાળ પણ આપ જ છો. પિતામહ બ્રહ્મા, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, સામગ્રી, હોમ, આહુતિ, મંત્ર, તંત્ર, જપ, યજમાન, યજ્ઞ, કર્મ, કર્તા, ભોક્ત પણ તમે જ છો. તમે સર્વવ્યાપક છે. તમારા સિવાય ત્રણે લોકોમાં ચલ-અચલ કંઈ પણ નથી.
હે ભગવન્! દૈત્યોએ અમારા પર જીત મેળવીને સ્વર્ગથી ભ્રષ્ટ કરી દીધા છે અને બધા જ દેવતા આમતેમ ભાગતા ફરતા રહે છે. આપ તે દૈત્યથી અમારી રક્ષા કરો.
ઇન્દ્રનાં આવાં વચન સાંભળીને ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે, હે ઇન્દ્ર! આવો માયાવી દૈત્ય કોણ છે કે જેણે બધા જ દેવતાઓ પર જીત મેળવી લીધી છે? તેનું નામ શું છે? તેનામાં કેટલું બળ છે અને તેનો આશ્રય તથા સ્થાન ક્યાં છે? તે બધું મને જણાવો.
ભગવાનનાં આવાં વચન સાંભળીને ઇન્દ્ર બોલ્યા, ભગવન્! પ્રાચીન સમયમાં એક નાડીજંઘ નામનો રાક્ષસ હતો. તેને મહાપરાક્રમી મુર નામનો એક પુત્ર થયો. તેની ચંદ્રાવતી નામની નગરી છે. તેણે જ બધા દેવતાઓ પર જીત મેળવીને સ્વર્ગ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું છે. તેણે ઈન્દ્ર, અગ્નિ, વરુણ, યમ, વાયુ, ચંદ્રમા, નૈઋત વગેરે બધાનાં સ્થાન પર અધિકાર કરી લીધો છે. તે અજેય છે. હે અસુર નિકંદન! એ દુષ્ટને મારીને દેવતાઓને અજેય બનાવો.
આ સાંભળીને શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, હે દેવતાઓ! હું શીઘ્ર તેનો સંહાર કરીશ. તમે ચંદ્રાવતી નગરીમાં જાઓ. આમ કહીને ભગવાન સહિત બધા જ દેવતાઓએ ચંદ્રાવતી નગરી તરફ પ્રયાણ કર્યું. તે સમયે દૈત્ય મુર તેની સેના સહિત યુદ્ધભૂમિમાં વીજળીને જેમ ગરજી રહ્યો હતો. તેની ભયાનક ગર્જના સાંભળીને બધા જ દેવતાઓ ભયને કારણે ચારે દિશાઓમાં ભાગવા લાગ્યા. જ્યારે સ્વયં શ્રીહરિ વિષ્ણુ રણભૂમિમાં આવ્યા તો દૈત્ય તેના પર પણ અસ્ત્ર, શસ્ત્ર, આયુધ લઈને દોડ્યા.
ભગવાને તેમને સર્પસમાન બાણોથી વીંધી નાખ્યા. બધા જ દૈત્ય મૃત્યુ પામ્યા. માત્ર મુર જ બચ્યો. તે અવિચળ ભાવથી ભગવાનની સાથે યુદ્ધ કરતો રહ્યો. ભગવાન જેમ જેમ તીક્ષ્ણ બાણ ચલાવતા તેમ તેમ તેનું શરીર વીંધાતું ગયું, પરંતુ તે યુદ્ધ કરતો જ રહ્યો. બંને વચ્ચે મલ્લ યુદ્ધ પણ થયું. દસ હજાર વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, પરંતુ મુર હાર્યો નહીં. થાકીને ભગવાન વિષ્ણુ બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં હેમવતી નામની એક સુંદર ગુફા હતી, તેમાં વિશ્રામ કરવા માટે ભગવાન અંદર પ્રવેશ્યા. આ ગુફા બાર યોજન લાંબી હતી અને તેને એક જ દ્વાર હતું. શ્રીહરિ વિષ્ણુ ત્યાં યોગનિદ્રામાં ચાલ્યા ગયા.
મુર તેમની પાછળ પાછળ આવ્યો અને ભગવાનને સૂતા જોઈને તેમને મારવા આગળ વધ્યો ત્યારે જ ભગવાનના શરીરમાંથી ઉજ્જવળ, કાંતિમય રૂપવાળી દેવી પ્રગટ થઈ. આ દેવીએ રાક્ષસ મુરને લલકાર્યો, તેની સાથે યુદ્ધ કર્યું અને તેને મૃત્યુના શરણે પહોંચાડી દીધો.
શ્રીહરિ યોગનિદ્રામાંથી ઊઠ્યા તો બધી વાત જાણીને તે દેવીને કહ્યું કે તમારો જન્મ એકાદશીના દિવસે થયો છે તેથી તમારું ઉત્પન્ના (ઉત્પત્તિ) એકાદશીના નામે પૂજન થશે. તમારા ભક્તો એ જ હશે જે મારા હશે.
ઉત્પત્તિ એકાદશીએ આટલું કરો
- ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું વિધિવત્ પૂજન કરો.
- આ દિવસે ભગવાન વિષ્ણુને ગલગોટાની માળા અથવા કોઈ પણ પીળું ફૂલ અર્પણ કરો સાથે ચણાના લોટમાંથી બનાવેલી અથવા તો પીળા રંગની મીઠાઈનો ભોગ ધરાવો.
- પીળાં ફળ, અન્ન અને વસ્ત્રનું જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરો.
- ભગવાન વિષ્ણુનું પૂજન કરવાની સાથે દક્ષિણાવર્તી શંખની પૂજા જરૂર કરો અને શંખમાં જળ ભરીને આખા ઘરમાં છાંટો.
- એકાદશીના દિવસે સવારે ભગવાન વિષ્ણુનું પૂજન કર્યા પછી પીપળાના વૃક્ષનું પૂજન કરો અને તેને કાચું દૂધ ચઢાવો.
- એકાદશીએ સાંજે ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- આ દિવસે ભગવાન વિષ્ણુને કેસરવાળી ખીર ચઢાવો. તેમાં તુલસીપત્ર જરૂર મૂકવું. પછી આ ખીરનો પ્રસાદ બાળકોને વહેંચી દેવો.