- પાપમોચની એકાદશી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી છે. વળી તે પિશાચ તત્ત્વનો નાશ કરનારી પણ છે
લોમેશ મુનિએ પૃથ્વીપતિ મહારાજા માંધાતાને પાપમોચની એકાદશી વ્રતની કથા કહી સંભળાવી હતી. ફાલ્ગુન (ફાગણ) વદ પક્ષની એકાદશી `પાપમોચની’ એકાદશી તરીકે પ્રચલિત છે. આ એકાદશી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારી છે. વળી તે પિશાચ તત્ત્વનો નાશ કરનારી, મનોકામના પૂર્ણ કરનારી, પાપ નષ્ટ કરનારી અને રિદ્ધિ-સિદ્ધિ આપનારી એકાદશી છે. પાપમોચનીનો અર્થ જ થાય છે પાપમુક્ત કરનાર.
ચૈત્રરથ નામના કુબેર વનમાં વસંત ઋતુના આગમને ધરતીને નવપલ્લવિત કરી હતી. આ વનમાં દેવાંગનાઓનું નિવાસસ્થાન હતું. વસંત ઋતુમાં અપ્સરાઓ અહીં ક્રીડા કરતી. એમના સાંનિધ્યમાં ગાંધર્વકન્યાઓ પણ કિન્નરો અને ઈન્દ્ર વગેરે દેવો સાથે ક્રીડા કરવા આવી પહોંચતી.
ફાગણ પાસે ખરેખર રાગ છે, અનુરાગ છે, મસ્તી છે અને મહેક છે. ફાગણ વિલાસની નાગણ બનીને માણસને ભરખી જાય છે. અહીં કામ (વિષયવાસના)નો નહીં, પણ વસંતનો વિજય થાય છે.
આ ચૈત્રરથ વનમાં મેધાવી નામના મુનિ તપશ્ચર્યા કરતા હતા. મંજુઘોષા નામની અપ્સરા મેધાવી ઋષિને મોહિત કરવા પ્રયત્નો કરે છે. તેનું સંગીત સાંભળી મુનિવર્ય ડોલી ઊઠે છે, કારણ કે કામદેવે તેમને મોહિત કર્યાં હતા. મેધાવી મુનિનું દેહલાવણ્ય નિહાળી મંજુઘોષા પણ કામથી વિહ્વળ બની હતી. માતેલી મદયૌવના મંજુઘોષા પ્રિયમિલન માટે અભિસારે નીકળી હતી. તે ગૌર કાંતિવાળા મેધાવી મુનિને જુએ છે અને તેમના તરફ આકર્ષાય છે. મેધાવી મુનિ પણ તેના પ્રેમને ઠુકરાવી શકતા નથી. આમ, તેઓ શિવતત્ત્વને વિસરી કામતત્ત્વને વશ થયા. શૃંગારરાત્રિ સ્થૂળ દૈહિક મિલનની બની ગઈ. મંજુઘોષાનાં વચનોમાં જાણે પુષ્પો ઝરે છે, કોયલ ટહુકો કરી દે છે. મેધાવી મુનિએ ન કલ્પેલી આ શૃંગારરાત્રિ હતી. એમાં મોહ, મમતા અને હૃદયનું સૌંદર્ય તથા મિલન હતું. ઉભય કામથી મોહિતા અને તેમની શૃંગારરાત્રિ પ્રેમસભર હતી, કામતૃપ્તિની અભિલાષાની આ રાત્રિ હતી.
વિકારવશ થયેલા મેધાવી મુનિને રાત કે દિવસનું પણ ભાન ન રહ્યું. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. મંજુઘોષાએ સ્વર્ગમાં જવા માટે અનુમતિ માગી, કારણ કે ઋષિના શાપના ભયથી આ અપ્સરાએ સત્તાવન વર્ષ, ત્રણ માસ અને ત્રણ દિવસ ભોગવિલાસમાં પસાર કર્યાં. મેધાવી ઋષિને આખરે પસ્તાવો થયો. અરે, આ અપ્સરા સાથે મેં 57 વર્ષ પસાર કર્યાં? આ દેવાંગના સાથેનાં ખરાબ કર્મોથી મેં મારું સંચિત પુણ્ય પણ ગુમાવી દીધું. મુનિએ ક્રોધાવેશમાં મંજુઘોષાને શાપ આપ્યો કે તું પિશાચિની થઈશ. મંજુઘોષાએ પ્રાર્થના કરી શાપનું નિવારણ કરવા વિનંતી કરી.
ત્યારે ઋષિએ તેને પાપમોચની એકાદશીનું વ્રત કહી સંભળાવ્યું. આ વ્રત વિધિપૂર્વક કરવાથી તારું પિશાચપણું નાશ પામશે. મેધાવી મુનિ જ્યારે પોતાના આશ્રમે ગયા ત્યારે પુત્રનું પુણ્ય પરવારી ગયું છે તે જાણી પૂછ્યું, `હે મેધાવી, તારું સંચિત પુણ્ય કયાં પાપકર્મોને લીધે નાશ પામ્યું?’
મેધાવીએ નતમસ્તકે સઘળી હકીકત કહી સંભળાવી. ચ્યવન ઋષિએ પોતાના પુત્રને પણ આ પાપમોચની એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો. મંજુઘોષા આ વ્રત કરવાથી સ્વર્ગમાં ગઈ અને મેધાવીનાં પાપનો પણ નાશ થયો. આ એકાદશીની વ્રતકથાનું વાંચન કે પઠન કરવાથી પાપમાંથી મુક્ત થવાય છે અને વૈકુંઠ પમાય છે.