રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી ભીડભજન સોસાયટીમાં રહેતા એક વૃદ્ધ દંપતીએ સાથે મળીને ઝેરી દવા પીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોની ઓળખ રાજકોટ મહાનગરપાલિકા (RMC) ના નિવૃત ઇજનેર રાજેન્દ્રભાઈ લખતરિયા અને તેમના પત્ની પદ્માબેન તરીકે થઈ છે. રવિવારે આ દંપતીએ પોતાના નિવાસસ્થાને ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં વિધિવત સારવાર શરૂ થાય તે પૂર્વે જ બંનેએ દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ભીડભજન સોસાયટીમાં શોકનું મોજું
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ આઘાતજનક પગલું ભરવા પાછળ દીર્ઘકાળની બીમારી મુખ્ય કારણ હોવાનું મનાય છે. દંપતી લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાતું હતું અને કદાચ આ પીડા સહન ન થતા તેમણે સાથે જીવનનો અંત લાવવાનો નિર્ણય કર્યો હોવાની શક્યતા છે. નિવૃત ઇજનેર તરીકે પ્રતિષ્ઠિત જીવન જીવનારા રાજેન્દ્રભાઈના આવા અંતથી તેમના સ્નેહીજનો અને પડોશીઓ સ્તબ્ધ થઈ ગયા છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને કોઈ સુસાઈડ નોટ મળી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચો : Dahod News : ACB નો સપાટો, ઝાલોદ બસ સ્ટેશન પર 5 હજારની લાંચ લેતા તલાટી રંગેહાથ ઝડપાયો


