આંગડિયાઓએ શનિવારથી કામકાજ બંધ કરી દીધા
રાજકોટની સોની બજાર, ચાંદી બજારના વહિટવટ મંદ પડી ગયા
માર્કેટ યાર્ડ અને હોલસેલ માર્કેટને પણ અસર : ૮મી તારીખ
ચૂંટણી આચાર સંહિતાને પગલે રોકડિયા ધંધા અને માલની હેરફેરને મોટી અસર થઇ છે. આંગડિયા પેઢીઓએ શનિવારથી તેમના વહિવટ બંધ કરી દીધા છે. જે હવે ૭ મી તારીખે ગુજરાતનું મતદાન પૂર્ણ થયા બાદ જ આઠમી મે થી શરૂ થશે.હાલ આંગડિયા પેઢીઓ ૪૦ હજારથી મોટી રકમના વ્યહવારો સ્વીકારવામાં નથી આવતાં. આ કારણે રાજકોટની સોની બજાર,ચાંદી બજાર અને હોલસેલ માર્કેટના વ્યહવારોને માઢી અસર થઇ ગઇ છે. નહિવત કામ કાજ થતાં હોવાનું વેપારી સૂત્રો જણાવે છે.
સોની બજાર ઉપરાંત રાજકોટની જુદી જુદી હોલસેલ માર્કેટના રોકડિયા વ્યહવારો બંધ થઇ ગયા છે. આ ઉપરાંત રાજકોટ સૌરાષ્ટ્રના યાર્ડોમાં આંગડિયા પેઢી મારફત થતાં વ્યહવારો પણ બંધ થઇ ગયાનું સૂત્રો જણાવે છે.સૌરાષ્ટ્રમાં આશરે ર૦૦ વધુ આંગડીયા પેઢીની શાખાઓ છે. ૪૦થી વધુ નાના મોટા આંગડિયાઓ છે.
એક વેપારી સૂત્રના જણાવ્યા મુજબ જયારથી આચાર સંહિતા લાગી ત્યારથી રોકડિયા વ્યહવારો ઉપર અંકુશ આવી ગયો છે. ખુબ જ તાકિદના પેમેન્ટ માટે શનિવાર પહેલાં આંગડિયા એક લાખે રૂપિયા ૭૦૦ સુધી વસુલતી હતી. જે સામાન્ય સંજોગોમા માત્ર રૂપિયા સો આસપાસ હોય છે.જેથી નહિવત કામકાજ થાય. મોટા ભાગના વેપારીઓએ હાલના ચૂંટણી સુધી વ્યહવારો બંધ કરી દીધા છે.
રાજકોટમાં ૪૦થી વધુ આંગડિયા ૧૦૦ થી વધુ બ્રાન્ચ
રાજકોટમાં ૪૦ થી વધુ નાના મોટા આંગડિયા પેઢીઓ છે. તેમની બ્રાન્ચ ૧૦૦થી વધુ છે. જયારે ગુજરાતમાં ર૦૦થી વધુ આંગડિયાઓ અને એટલી જ તેમની બ્રાન્ચ છે. જેમાં સામાન્ય સંજોગોમા દરેક બ્રાન્ચમાં બે થી પાંચ કરોડ રૂપિયાનો વહિવટ થતો હોય છે. જયારે ખેતીની સિઝન હોય ત્યારે આ વહીવટ યાર્ડની જણસોની ઉપજને કારણે સાત થી આઠ ગણો થઇ જતો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. હાલ રાજકોટનો રોજીંદો એક હજાર કરોડનો અંદાજીત રોકડિયો વ્યહવાર ચૂંટણી આચાર સંહિતાને કારણે અટકી ગયો છે.
સોની બજારના ર૦૦ કરોડના ડિલીવરી બેઝ વેપારને અસર
સોની બજારનો રોજનો ર૦૦ થી 3૦૦ કરોડનોની સોનાની ડિલિવરીનું કામ હોવાનું સૂત્રો કહે છે. આંગડીયા પેઢીએ આ કામ બંધ કરી દેતાં મોટા ભાગનો વ્યહવારો મંદ પડી ગયા છે.ચાંદીબજારની કામગીરી મોટા પાયે આંગડિયા આધારીત છે. હાલના સંજોગોમા રોજની ૧પ૦ થી ર૦૦ ટન ચાંદીની ડિલિવરી બંધ થઇ ગઇ હોવાનું વેપારી સૂત્રો જણાવે છે. આમ એકંદરે ચૂંટણી આચારસંહિતાનું વેપાર ઉદ્યોગ ઉપર આર્થિક ગ્રહણ લાગ્યુ છે.


