સહકારમાં સીધી રીતે પક્ષના નિશાન ઉપર ચૂંટણી લડાતી નથી પરંતુ રાદડીયા જૂથ સામે ભાજપના જ અન્ય જુથોની ખેંચતાણ
આગામી દિવસોમાં રાજકોટ જિલ્લાના અડધો ડઝન જેટલા માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાનાર છે. યાર્ડના કરોડો-અબજો રૂપિયાના વહિવટ માટે સહકારી રાજકારણ ગરમાયું છે. ખાસ કરીને રાજકોટ અને ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ ખૂબ જ ધમધમતા હોવાથી તેનું સુકાન સંભાળવા માટે સહકાર ક્ષેત્રના મૂળ ભાજપ પ્રેરીત જુથો સક્રિય છે. રાજકોટ યાર્ડમાં રાદડીયા જુથના જયેશ બોઘરા સામે ડી.કે.સખીયા ગ્રુપના પરશોત્તમ સાવલીયા, ઢાંકેચા, જાડેજા તેમજ પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ સક્રિય થયાનું જાણવા મળે છે.
આગામી તા.૨૯ના ગોંડલ યાર્ડ અને તા.૫ જૂલાઈએ રાજકોટ બેડી યાર્ડની અને ત્યારબાદ ૧૫ જૂલાઈ સુધીમાં જામકંડોરણા, ધોરાજ, ઉપલેટા અને જેતપુર માર્કેટ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાઈ રહી છે. જેના પગલે ભાજપમાં આ પદ મેળવવા આંતરિક ખેંચતાણ શરુ થઈ છે.
વર્ષે રૂા.૪૪૫૦ કરોડની કિંમતના પ.૪૨ લાખ ટન અનાજ અને રૂા.૭૦૦ કરોડના ૩.૩૮ લાખ ટન શૉકભાજીના વેપાર સાથે અને રૂ।.૩૬.૯૧ કરોડની આવક સાથે સૌરાષ્ટ્રમાં નં.૧ ઉપર આવેલા રાજકોટ માર્કેટ યાર્ડમાં સિનિયર આગેવાન પરસોતમ સાવલિયા અને વર્તમાન ચેરમેન જયેશ બોઘરા વચ્ચે સ્પર્ધા છે. સૂત્રો અનુસાર સેન્સ પ્રક્રિયા વખતે સાવલિયા તરફી મતો વધુ હતા પરંતુ મેન્ડેટ રાદડીયા અને ભરત બોઘરાની નજીકના મનાતા જયેશ બોઘરાની તરફેણમાં આવ્યો હતો. હવે ભાજપ ઈ.૧૯૯થી રાજકોટયાર્ડમાં ડિરેક્ટર પદે જીતતા રહેલા સાવલિયાની તરફેણમાં મેન્ડેટ આપે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે તો સામે વર્તમાન ચેરમેન રીપીટ થવા ઈચ્છુક છે.
રાજકોટ યાર્ડમાં ૧૨ ખેડૂત વિભાગના, ૨ અન્ય અને ૪ વેપારી એમ ૧૬ ચૂંટાયેલા ડિરેક્ટરો તથા જિલ્લા રજીસ્ટ્રાર, જિલ્લા ખેતીવાડી અધિકારી અને યાર્ડ આવેલું હોય તે ગામ કે શહેરના પ્રતિનિધિ એમ ફૂલ ૧૯ ડિરેકટરો ચેરમેન,વાઈસ ચેરમેન પદ માટે મતદારો હોય છે અને તેમાં વેપારી વિભાગ કે સરકારી પ્રતિનિધિઓ ચેરમેન બની શકતા નથી.
ઈફ્કોની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટને શિસ્તભંગ ન દેખાય તે રીતે અવગણીને જયેશ રાદડીયાએ ધાર્યું કર્યું હતું અને ભાજપને પીછે હઠ કરવી પડી હતી. બાદમાં ભાજપે નાફેડની ચૂંટણીમાં મેન્ડેટ આપવાને બદલે ઉપરથી જ જેઠા ભરવાડને ચેરમેન અને મોહન કુંડારિયાને સભ્ય બનાવવા સૂચના આપી દીધી હતી. હવે માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ ફરી મેન્ડેટ આપવાનું શરુ કરે તેવું ખુદ ભાજપના નેતાઓ ઈચ્છી રહ્યા છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું કે મેન્ડેટ ન અપાય તો અમારા જેવા ઘણાને અન્યાય થાય. કારણ કે અગાઉ રાજકોટ લોધિકા સંઘમાં ૧૧ સભ્યોની બહુમતિ તેમના તરફેણમાં હતી છતાં મેન્ડેટને કારણે નરેન્દ્રસિંહને અધ્યક્ષપદ મળ્યું હતું.
ગોંડલના માર્કેટ યાર્ડની સૌ પ્રથમ ચૂંટણી છે ત્યારે યાર્ડનું સુકાન પક્ષ બદલાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. જયારે ધોરાજી, જામકંડોરણામાં જયેશ રાદડીયાનું ધાર્યું થવાની પણ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે યાર્ડની ચૂંટણીમાં ચેરમેન પદ અઢી વર્ષ માટે હોય છે અને કોઈ પણ નેતા મહત્તમ બે ટર્મ માટે ચેરમેન બની શકે છે.


