- બાર કાઉન્સિલે ચૂંટણીની જાહેરાત કરી : 22 ડિસેમ્બરે યોજાશે
- વકીલ મંડળોની ચૂંટણીની પ્રક્રિયા માટે બાર કાઉન્સિલમાં કમિટિ રચાઈ
- રાજ્યમાં હાલ એક લાખથી વધુ ધારાશાસ્ત્ર્રીઓ નોંધાયેલા છે
ગુજરાત રાજયના તમામ 272 વકીલમંડળો(બાર એસોસીએશન)ની ચૂંટણીની જાહેરાત ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. રાજયના વિવિધ વકીલમંડળોની ચૂંટણીને લઇ બાર કાઉન્સીલ દ્વારા ચૂંટણી કમિટીની રચના પણ કરવામાં આવી છે તો, જે તે બાર એસોસીએશન દ્વારા આગામી દિવસોમાં ચૂંટણીને લઇ રિટનિંગ ઓફ્સિરની પણ નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તા.22 ડિસેમ્બર,2023ના રોજ એકસાથે રાજયના તમામ 272 વકીલમંડળોની ચૂંટણી યોજાશે.
ગુજરાત બાર કાઉન્સીલની શિસ્ત સમિતિના ચેરમેન અને પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લાએ ચૂંટણી કાર્યક્રમ અંગેની માહિતી આપતાં જણાવ્યું કે, રાજ્યના 272 વકીલમંડળોના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઇન્ટ સેક્રેટરી, ખજાનચી, લાઇબ્રેરી સેક્રેટરી, મહિલા પ્રતિનિધિ, કારોબારી સભ્યોની તા.22 ડિસેમ્બર,2023ના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે પ્રત્યેક બાર એસોસીએશને તા.28-2023ના રોજ જાહેર કરી દેવાનું રહેશે. તો, તા.4થી 8 ડિસેમ્બર, 2023 દરમ્યાન ઉમેદવારોએ પોતાના ઉમેદવારીત્ર ભરી દેવાના રહેશે. તા.12 ડિસેમ્બર સુધીમાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચી શકાશે. એ પછી તા.12થી 22 ડિસેમ્બર એમ દસ દિવસ ચૂંટણી પ્રચાર માટે આપવામાં આવશે. રાજ્યમાં હાલ એક લાખથી વધુ ધારાશાસ્ત્ર્રીઓ નોંધાયેલા છે. ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ચૂંટણી અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવાતાં દિવાળીના તહેવાર બાદ હવે રાજયની તમામ નીચલી કોર્ટોના વકીલમંડળોના વકીલોમાં ઉમેદવારની જાહેરાતથી લઇ પ્રચાર-પ્રસારની રણનીતિ અને મતદારોને આકર્ષવા, નિષ્પક્ષ મતદાન સહિતની પ્રક્રિયાનો ધમધમાટ શરૂ થશે.
કોઇપણ વકીલ મતદારે વન બાર, વન વોટ મુજબ મત આપવો ફરજિયાત
બાર એસોસીએશન ઓફ્ ગુજરાત-2015ના નિયમો મુજબ, વન બાર, વન વોટ નિયમો મુજબ કોઇપણ વકીલ મતદાર કોઇપણ એક જ એસોસીએશનમાંથી મત આપી શકશે. એટલે કે, કોઇ વકીલ ભલે એકથી વધુ બાર એસોસીએશનનો સભ્ય હોય પરંતુ તે કોઇપણ એક બાર એસોસીએશનમાંથી જ મતદાન કરી શકશે. મતદાનમાં વન બાર, વન વોટ નિયમનું પાલન કરવું ફરજિયાત છે.


