- જાન્યુઆરીથી માર્ચ 2024 ના ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો
- અગાઉ રૂ.3.35 પ્રતિ યુનિટ હતો જે રૂ.2.85 પ્રતિ યુનિટ થશે
- રાજ્યના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને થશે લાભ
લોકસભાની ચૂંટણી પહેલાં રાજ્યની સામાન્ય જનતાને મોટી ભેટ મળી છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકોને સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ.3.35 પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA) ની વસૂલાત કરવામાં આવતી હતી. જેમાં હવે 50 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે એકંદરે વીજ ખરીદી ખર્ચમાં ઘટાડો થયો છે જેને લઈને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીએ ફયુઅલ સરચાર્જના દરમાં ઘટાડો થયો છે. આથી જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આ ફ્યુઅલ સરચાર્જ રૂ.3.35 પ્રતિ યુનિટથી ઘટીને રૂ.2.85 પ્રતિ યુનિટ વસૂલ કરવાનો થાય છે તેમ, ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રી જણાવ્યું કે, ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાના ઘટાડાના કારણે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લીમીટેડ હેઠળની ચારેય વીજ વિતરણ કંપનીઓના અંદાજે 1.70 કરોડ ગ્રાહકોને જાન્યુઆરીથી માર્ચ 2024ના ત્રિમાસિક ગાળામાં આશરે રૂ 1340 કરોડનો લાભ થશે.
માસિક કેટલી થશે બચત
આ સાથે જ તેમણે જણાવ્યું કે, રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે, તેવા કિસ્સામાં ઉપરોક્ત FPPPAના ઘટાડાને કારણે અંદાજે રૂ 57 ની માસિક બચત થશે. જેનાથી લોકોના બિલમાં પણ રાહત મળી શકશે.


