ટેસ્લાના સીઇઓ એલોન મસ્કના નામની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. અને તેનું કારણ છે તેમની આંખ નીચે દેખાતું કાળું નિશાન. આ નિશાન ક્યાંથી અને કેવી રીતે આવ્યુ કે કોઇ ઇજા થઇ છે. તેના વિશે અટકળો વાયુ વેગે પ્રસરી રહી છે. વ્હાઇટ હાઉસમાં એલોન મસ્ક જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પની સાથે ઉભા હતા. ત્યારે તેમનું આ કાળું નિશાન સૌ કોઇનું ધ્યાન ખેંચી રહ્યુ હતુ.
એક નિશાન બન્યુ ચર્ચાનો વિષય
સરકારી કાર્યક્ષમતા વિભાગના વડા તરીકે એલોન મસ્કનો કાર્યકાળ સત્તાવાર રીતે સમાપ્ત થયો છે. આ પ્રસંગે એલોન મસ્કે વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. આ દરમિયાન એક એવી વસ્તુ જોવા મળી હતી કે જેના કારણે ચર્ચાનો માહોલ ગરમ થયો હતો. અને ચોંકાવનારી બાબત એ હતી કે, એલોન મસ્કની આંખ નીચે ઈજાના નિશાન ક્યાંથઈ આવ્યા. તેના માટે કયુ કારણ જવાબદાર છે. આ તમામ મુદ્દાઓએ ચર્ચાનો દૌર શરુ કર્યો છે.
એલોન મસ્કની ઈજાનું કારણ
પત્રકારોએ એલોન મસ્કને તેની આંખ પર ઈજા વિશે પૂછ્યું ત્યારે તેમણે સ્વીકાર્યું કે ‘હા, તેની આંખ પર ઈજા છે.’ આનું કારણ પૂછવામાં આવતા, મસ્કે કહ્યું કે ‘હું મારા પાંચ વર્ષના પુત્ર સાથે રમી રહ્યો હતો. મેં તેને મારા ચહેરા પર મુક્કો મારવાનું કહ્યું, તેણે પણ એવું જ કર્યું, જેના કારણે આ ઈજા થઈ છે. મસ્કે જણાવ્યુ હતુ કે, આ પછી મને ખબર પડી કે પાંચ વર્ષનો બાળક પણ તમારા ચહેરા પર મુક્કો મારી શકે છે.’ અગાઉ, મસ્કે મજાકમાં પણ કહ્યું હતું કે ‘હું ફ્રાન્સની આસપાસ નહોતો.’ વાસ્તવમાં, મસ્કના આ મજાકને તે ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે જેમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિને તેમના વિયેતનામ પ્રવાસ દરમિયાન તેમની પત્નીએ ધક્કો માર્યો હતો. જેની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર અટકળો તેજ
એલોન મસ્કની ઈજા અંગે યુઝર્સ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે એવું લાગે છે કે ‘કોઈએ એલોન મસ્કને મુક્કો માર્યો છે. જેના કારણે તેમની આંખ કાળી થઈ ગઈ છે. તેવી જ રીતે, ઘણા અન્ય યુઝર્સે પણ મસ્કની આંખની ઈજા અંગે પ્રતિક્રિયાઓ આપી છે. સરકારી કાર્યક્ષમતા વિભાગમાં એલોન મસ્કનો 130 દિવસનો કાર્યકાળ શુક્રવારે સમાપ્ત થયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પે એલોન મસ્કને ચાવી આપીને સન્માનિત કર્યા હતા.